ટંકારા અને વાંકાનેર બેઠક માટે સૌથી વધુ ઉમેદવારો દાવેદારી કરે તેવી શકયતા મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે લજાઈ પાસે આવેલી એલિટ સ્કૂલમાં આજે ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં મોરબીના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાને તાપી જિલ્લાના નિરિક્ષક તરીકે મુકાયા હોવાથી તેવો અહી દાવેદારી માટે રૂબરૂ ઉપસ્થીત ન રહી શકતા હોવાથી મોરબી બેઠક માટે પોતાની દાવેદારી નિરિક્ષકો સમક્ષ ઑનલાઇન નોંધાવશે. જ્યારે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના સ્થાનિક નેતાઓ રૂબરૂમાં પોતાની દાવેદારી નોંધાવશે. આજે મોરબી ખાતે મોરબી, ટંકારા અને વાંકાનેર બેઠક માટે ભાજપના ઉમેદવારોની સેન્સ પ્રકિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ભાજપ તરફથી ચૂંટણી લડવા માંગતા ઇચ્છુક ઉમેદવારો નિરીક્ષક સમક્ષ પોતાની દાવેદારી નોંધાવશે. જેમાં મોરબી બેઠક ઉપર બ્રિજેશ મેરજા અને કાંતિલાલ અમૃતિયા સિવાય પણ અન્ય યુવા આગેવાનો પોતાની દાવેદારી નોંધાવી શકે છે. જ્યારે ટંકારા બેઠક પર સ્થાનિક સિવાય અન્ય બહારના ઉમેદવારો પણ દાવેદારી નોંધાવી શકે છે. જ્યારે વાંકાનેર બેઠક પર પણ મોટી સંખ્યામાં ઉમેદવારો દાવેદારી નોંધાવે તેવી શક્યતા છે. જ્યારે આ સેન્સ કાર્યવાહીમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, જિલ્લા, તાલુકા પંચાયત અને નગર પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ રાય લેવામાં આવશે. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ આજની ભાજપની ભાવિ ઉમેદવારો માટેની સેન્સ પ્રકિયા એ માત્ર એક પ્રકિયા જ છે. ભાજપ સંગઠન દ્વારા અગાઉથી જ તમામ બેઠકો પર સર્વે હાથ ધરી જીતે તેવા ઉમેદવારોના નામ સાથેનું લીસ્ટ દિલ્હી ખાતે નરેન્દ્ર મોદી અને અમિત શાહના દરબારમાં મોકલી આપ્યુ છે. અને ત્યાંથી જે ઉમેદવારોની પસંદગી થશે તેમના નામની જાહેરાત થશે.