મોરબી જલારામ મંદિર દ્વારા જલારામ જયંતીની ભવ્ય રીતે ઉજવણી કરાશે મોરબી : મોરબી જલારામ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ જયંતીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે. જેમાં રઘુવંશી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા અને વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગનો વિશેષ કાર્યક્રમ યોજાશે. આગામી 31 ઓકટોબરને સોમવારના રોજ જલારામ જયંતીના પાવન દિવસે મોરબી જલારામ મંદિર દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં મનોવિકલાંગ બાળકો, થેલેસેમિયાગ્રસ્ત બાળકો, અંધજનો, ભિક્ષુકો, શહીદ પરિવાર, વૃધ્ધાશ્રમના વડીલો, અનાથાશ્રમની બાળાઓ, કીન્નરો, મહીલા ટ્રાફીક બ્રિગેડ, શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર ફાયર બ્રિગેડના જવાનો, હોટેલ માં કામ કરતી પરપ્રાંતિય મહીલાઓના હસ્તે કેક કટીંગ કરાયું છે. ત્યારે આ વર્ષે પણ વિશેષ વ્યક્તિઓના હસ્તે જ થશે કેક કટીંગ કરવામાં આવનાર હોવાનું અગ્રણી નિર્મિત કક્કડ દ્વારા જણાવાયું છે. આ ઉપરાંત શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે પ્રભાત ધૂન, અન્નકુટ દર્શન, પૂ.જલારામબાપાનુ પૂજન,વૈદિક યજ્ઞ, વિશેષ વ્યક્તિઓનાં હસ્તે કેક કટીંગ, મહાઆરતી તથા બપોરે મહાપ્રસાદ યોજાશે. તેમજ પ્રવર્તમાન વર્ષે પણ સવારે ૧૧:૦૦ કલાકે વિશેષ વ્યક્તિઓ ના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવશે. તેમજ બપોરે ૩ કલાકે જલારામ મંદિર ખાતેથી સમસ્ત રઘુવંશી સમાજ આયોજીત વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન કરશે જે મોરબી ના રાજમાર્ગો પર ફરી દશાશ્રી માળી વણીક જ્ઞાતિ વાડી ખાતે વિરામ લેશે જ્યાં જલારામ જયંતિ ઉત્સવ સમિતી દ્વારા સમસ્ત રઘુવંશી સમાજ જ્ઞાતિ ભોજન યોજાશે.