દરેક વેપારીઓ, ધંધાર્થીઓ અને ઉધોગકારો સહિતના લોકો આજે ચોપડા પૂજન કરશે, આખી રાત થશે ફટાકડાની આતશબાજી દરેક ઘરે-મંદિરોમાં દિવડાની દીપમાળા, બજારો, ઓફીસ અને મોટા શોરૂમ, દુકાનો, નહેરુ ગેઈટ, ગીનચોક જેવા ઐતિહાસિક સ્થળોને અદભુત રંગબેરંગી રોશનીનો શણગાર મોરબી : મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી તૈયારીના અંતે આજે તમામ લોકો અનેરા ઉમંગ-ઉલ્લાસ સાથે દીપોત્સવી પર્વની ધૂમધડાકાભેર ઉજવણી કરાશે. દરેક ઘરે મંદિરોમાં દિવડાની દીપમાળા અને રોશનીની સજાવટ કરવામાં આવી રહી છે. બજારો તેમજ ઘર ઓફીસ અને મોટા શોરૂમ, નહેરુ ગેઈટ, ગીનચોક જેવા ઐતિહાસિક સ્થળોને અદભુત રંગબેરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દિવાળીની આખી રાત લોકો જાગી ફટાકડા આતશબાજી કરશે આથી આકાશ સપ્તરંગી રગોળીથી રંગાઈ જશે. દરેક લોકોઈ ઘરના આંગણે હેપ્પી દીપાવલીની સુંદર મજાની રંગોળી દિપાવી હતી. મોરબીમાં આજે દિવાળીના દિવસે ઘરેઘરે આસોપાલવના તોરણ બંધાશે. ઘર,ઓફીસ, દુકાનોમાં રોશનીની સજાવટ સાથે દરેક પ્રકારના ધંધાર્થીઓ, વેપારીઓ અને ઉધોગકારો સહિતના લોકો ગયા વર્ષનો હિસાબ કિતાબ કરી નવા વર્ષના ફરીથી ચોપડા શરૂ કરવા ચોપડા પૂજન કરશે અને મોટાભાગના કોમ્પ્યુટર ઉપર લક્ષ્મીપૂજન પણ થશે. દિવાળી નિમિતે ગઈકાલે રવિવાર હોવા છતાં ભીડ બેકાબુ રહી હતી. દરેક પ્રકારની ચીજવસ્તુઓની ખરીદી થઈ હતી. તેમજ આજે દિવાળીએ સવારથી બજારો મેદનીથી ઉભરાઈ ગઈ છે અને છેલ્લી ઘડી સુધી કપડાં, સોના ચાંદીના દાગીના, ડેકોરેટિવ આઈટમ, તોરણ, દિવડા, રંગોળીના કલરો, ફટાકડા, મુખવાસ, મીઠાઈ, ફરસાણ, બુટ ચંપલ સહિતની દરેક વસ્તુઓની ખરીદી થશે. દિવાળી એટલે રોશનીનું પર્વ હોય દરેક ઘરે દિવડા પ્રગટાવી આખી રાત ફટાકડા ફૂટશે. ફટાકડાના વેપારીએ જણાવ્યું હતું કે, આ બે દિવસમાં હવે વિવિધ વેરાયટીઓના શહેરના નાના મોટા સ્ટોલમાંથી અંદાજે રૂ. 40 કરોડના ફટાકડાની ખરીદી થશે અને દિવાળીની આખી રાત કરોડોના ફટાકડાની આતિષબાજી થશે. દીપોત્સવીને લઈને દરેક ઘરોમાં આનંદ ઉમગ ઉલ્લાસ છવાયો છે. જો કે આ વખતે તિથિમાં અસમંજ હોવાથી ઘણા લોકોએ આજે દિવાળી ઉજવે છે અને આવતીકાલે ધોકો તરીકે મનાવશે. તેમજ અન્ય ઘણા લોકો આવતીકાલે દિવાળી મનાવશે. જ્યારે પરમ દિવસે એટલે તા.26ના રોજ પડવો એટલે નવા વર્ષની તમામ લોકો ઉજવણી કરશે. એકબીજાને સાલ મુબારક કહીને નવા વર્ષની શુભેચ્છા પાઠવશે તેમજ સોશ્યલ મીડિયા ઉપર હેપ્પી દીપાવલી અને સાલ મુબારકના અવનવા મેસેજનો મારો ચાલશે. જ્યારે વેપારીઓ સહિતના ઘણા બધા લોકો દિવાળી પછી મીની વેકેશન મનાવવા બહારગામ ઉપડી જશે. આબુ, અંબાજી,કચ્છ માતાના મઢ, માટેલ, ચોટીલા જેવા ધાર્મિક અને પર્યટન સ્થળોએ લોકો જઈને દિવાળીની ઉજવણી કરશે.