અત્યાર સુધીમાં માત્ર બે પતરા જેવું બસ સ્ટેન્ડ હોવાથી સ્થાનિક ભાજપ અગ્રણીની રજુઆતને પગલે રાજ્યના એસટી વિભાગે ટૂંકાગાળામાં બસ સ્ટેન્ડના બાંધકામ શરૂ કરવાની જાહેરાત કરી હળવદ : હળવદમાં મુસાફરોની સુવિધા વધારવા માટે અત્યાધુનિક નવું બસ સ્ટેન્ડ બનાવવાની સ્થાનિક ભાજપ અગ્રણીએ મુખ્યમંત્રીને રજુઆત કર્યા બાદ રાજ્યના એસટી નિગમે આ બાબતે સ્પષ્ટતા કરી રાજ્ય સરકારના ફંડ રૂ.2.50 કરોડના ખર્ચે હળવદમાં અત્યાધુનિક નવું બસ સ્ટેન્ડ બનાવાશે અને ટેન્કરની આખરી કાર્યવાહી બાદ ટૂંકાગળામાં બસ સ્ટેન્ડના બાંધકામ શરૂ કરવાની જાહેરાત કરી છે. હળવદ ભાજપ યુવા મોરચાના નયન દેત્રોજાએ મુખ્યમંત્રીને એસટી નિગમ રાજકોટ વિભાગ હસ્તકના હળવદ મુસાફરોની સુવિધા વધારવા નવું બસ સ્ટેન્ડ બનાવવાની રજુઆત કરી હતી. આથી મુખ્યમંત્રીએ આ અંગે ઘટતી કાર્યવાહી કરવા રાજ્યના એસટી નિગમને આદેશ આપતા એસટી નિગમે પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે, એસટી નિગમ રાજકોટ હસ્તકના હળવદમાં સરકારે ફાળવલા ફંડ મુજબ રૂ.2.50 કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે. મુસાફરો માટે તમામ સુવિધાઓ સાથેનું બસ સ્ટેન્ડ ટેન્ડરની આખરી કાર્યવાહી થયા બાદ નવું બસ સ્ટેન્ડ બનાવવાનું જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હળવદ જેવા વિકસતા શહેરમાં આઝાદીના આટલા વર્ષે પણ આધુનિક બસ સ્ટેન્ડ જેવું છે જ નહિ. માત્ર વર્ષો પહેલા બે ત્રણ પતરા નાખીને બસ સ્ટેન્ડ બનાવી દેવાયું હતું. ચોમાસામાં પતરામાંથી પાણી પડતું હતું અને બાકડા, પાણી જેની ઘણી સુવિધા પણ છે જ નહીં. કોઈ ગ્રામીણ વિસ્તારમાં આનાથી પણ સારું બસ સ્ટેન્ડ હોય છે. હવે જે પતરા જેવુ બસ સ્ટેન્ડ તોડી પાડીને નવું બનાવશે. જો કે એસટી નિગમના પરિપત્રમાં આ બસ સ્ટેન્ડ બનાવવાનું કામ શ્રી હરિ કોમ.કો.નામની એજન્સીને 21 ઓક્ટોબરથી તા.20-12-2023 એટલે 14 મહિનાની મુદત સાથે કામ સોપાયું હોવાનો ઉલ્લેખ કરાયો છે. પણ 21 ઓક્ટોબર વીતી ગઈ છતાં હજુ નવું બસ સ્ટેન્ડ બનાવવાનું શરૂ થયું નથી. ત્યારે ખરેખર ટૂંકાગાળામાં નવું બસ સ્ટેન્ડ બનાવવાનું કામ શરૂ થશે કે દરેક સરકારી કામની જેમ આ કામમાં પણ વિલંબ થશે? તેવો સવાલ ઉઠ્યો છે.