બહુ જ ટૂંકાગાળામાં મજબૂત રીતે ઝૂલતા પુલનું રીનોવેશન કરી નવા વર્ષથી જ ખુલ્લો મુકવાની જાહેરાતથી લોકોમાં આનંદની લાગણી મોરબી : મોરબીની આન, બાન અને શાન તેમજ દેશ વિદેશના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર સમાન ઝૂલતાપુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હોવાથી આ પુલને બંધ કરાયા બાદ જાણીતી ઓરેવા કંપનીએ ઝૂલતા પુલના રીનોવેશન માટે ફરીથી બીડું ઉઠાવીને બહુ જ ઝડપથી ઝૂલતાપુલને રીનોવેટ કરી દીધો છે. હવે આ ઝૂલતાપૂલ સંપુર્ણપણે તૈયાર થઈ ગયો હોવાથી ઓરવા કંપનીએ ઝૂલતા પુલને ફરી પ્રજા માટે ખુલ્લો મુકવાની જાહેરાત કરતા લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. મોરબીના ઝૂલતાપૂલને વર્ષ 2001ના ભૂકંપમાં ભારે નુકશાન થયું હોવાથી તે સમયે ક્ષતિગ્રસ્ત ઝૂલતાપૂલને જાણીતી ઓરેવા કંપનીએ નગરપાલિકા પાસેથી પોતાના હસ્તક સંચાલન લઈને તે વખતે કરોડોના ખર્ચે ઝૂલતાપૂલને રીનોવેટ કર્યો હતો. આ રાજવીકાળ સમયનો આ ઝૂલતાપૂલ માત્ર મોરબી જ નહીં દેશ વિદેશના લોકો માટે પણ ભારે આકર્ષણનું કેન્દ્ર હોવાથી દરરોજ મોટી સંખ્યામાં લોકો ઝૂલતાપૂલ ઉપર હરવા ફરવાનો આનંદ માણે છે. દરમિયાન કાળક્રમે છેલ્લા એક વર્ષમાં આ પુલ ફરી ખંડિત થઈ ગયો હતો અને હરવા ફરવા માટે જોખમી સાબિત થાય હોવાથી ઓરેવા કંપનીએ આ પુલ બંધ કરીને તંત્ર સમક્ષ રીનોવેશનની દરખાસ્ત કરી હતી અને થોડા સમય અગાઉ જિલ્લા કલેકટરની દરમિયાનગીરીથી નગરપાલિકા સત્તાધીશો સાથે વાટાઘાટ થયા બાદ અંતે ઓરેવા કંપનીને જ ઝૂલતાપુલનું રીનોવેશનનું કામ સોંપવામાં આવ્યું હતું અને ઓરેવા કંપનીએ આ જવાબદારી સુપરે નિભાવી હતી. ઝૂલતા પુલનું અત્યાધુનિક સાધનો સાથે નિવડેલા કારીગરો સહિતની તજજ્ઞ ટીમ દ્વારા ખૂબ જ કાળજી પૂર્વક ઝૂલતાપૂલને ફરી હતો એવો જ મૂળ સ્વરૂપમાં કરી દેવામાં આવ્યો છે. એટલે હવે આ પુલ લોકોને હરવા ફરવા માટે એકદમ તૈયાર હોવાથી ઓરેવા કંપનીએ બેસતા વર્ષના દિવસે ઝૂલતાપૂલને પ્રજા માટે ખુલ્લો મુકવાની જાહેરાત કરી છે.