મોરબીઃ કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (CAS) તેમજ વિનંતી બદલી સહિતના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આપેલી મુદત પૂરી થતાં હવે રાજયની સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરશે. આશરે એક દાયકા કરતા વધુ સમયથી કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (CAS) તેમજ વિનંતી બદલી સહિતના પડતર પ્રશ્નોની રજૂઆત સરકારમાં વિવિધ સ્તરે વારંવાર કરવા છતાં કોઈ હકારાત્મક ઉકેલ ન આવતાં રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો એક મહિના કરતાં વધુ સમયથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે. શિક્ષણ વિભાગના તાબા હેઠળ આવતા ઉચ્ચ શિક્ષણના અધ્યાપકોને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (સીએએસ) નો લાભ આપવામાં આવ્યો છે પરંતુ તે જ શિક્ષણ વિભાગના તાબા હેઠળના ટેકનીકલ શિક્ષણના અધ્યાપકો કે જે સરકારના કેટલાય કાર્યક્રમોને સફળ બનાવે છે તેઓને સીએએસના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. ત્યારે હવે સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો આકરા પાણીએ થઈને તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરશે. સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો દ્વારા રજૂઆત કરાયેલ મુખ્ય પ્રશ્નોની વિગતવાર માહિતી આ પ્રમાણે છે. કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (સીએએસ) તા. 01/01/2016 બાદ યોગ્યતા ધરાવતા અઘ્યાપકો ને સીએએસ હેઠળ ઉચ્ચતર પગાધોરણ ના લાભ આજદિન સુધી મંજૂર કરાયેલ નથી. 2010/2011 માં સહાયક પ્રાધ્યાપક તરીકે સેવા માં જોડાયેલ અઘ્યાપકો આજે 12 વર્ષે બબ્બે ઉચ્ચતર પગારધોરણ માટે લાયક હોવા છતા આજે પણ સેવામાં જોડાયા સમયના પગારધોરણ માં જ ફરજ બજાવે છે, જે દયનીય છે. વિનંતી બદલી 8/10 વર્ષ થી પણ વધુ સમય થી એક જ સંસ્થા ખાતે ફરજ બજાવતા વર્ગ-1 અને વર્ગ-2 ના અઘ્યાપકો ને સ્વવિનંતી બદલી ના કિસ્સામાં સરકાર મૂકબધિર રીતે વર્તે છે. સામાન્ય વહીવટ વિભાગ ના વખતો વખત ના ઠરાવ અન્વયે ગુજરાત સરકાર ના મોટાભાગ ના વિભાગો મા સ્વ વિનંતી તેમજ પતિ પત્ની ના કિસ્સામાં બદલી થયેલ છે. માત્ર ટેકનિકલ શિક્ષણ વિભાગ ના અધ્યાપકોને જ આ લાભથી વંચિત રાખવામાં આવેલ છે. સરકારશ્રી ના આવા ભેદભાવ ભર્યા વલણને લીધે ટેકનીકલ શિક્ષણના અધ્યાપકોમાં ભારોભર નિરાશા અને રોષ વ્યાપેલ છે. બઢતી વર્ષ 2012 બાદ અપવાદરૂપ અને ખાસ કિસ્સાઓને બાદ કરતાં આજે 10 વર્ષ થી સરકારી ઇજનેરી કોલેજોની મોટાભાગની વિદ્યાશાખાઓ માં સહાયક પ્રાધ્યાપક (વર્ગ -2) થી સહ પ્રાધ્યાપક (વર્ગ-1) ની બઢતી પ્રક્રિયા હાથ ધરાયેલ નથી. સહ પ્રાધ્યાપક (વર્ગ-1) સંવર્ગ માં અંદાજે 200 કરતા વધારે જગાઓ ખાલી હોઈ અને તેટલા જ પ્રમાણમાં લાયકાત ધરાવતા સહાયક પ્રાધ્યાપકો પણ ઉપલબ્ધ હોવા છતાં આ વિલંબથી તેમની શૈક્ષણિક કારકિર્દી ને ગંભીર નુકસાન પહોંચી રહેલ છે. એડહોક સેવા નિયમિત નિમણૂંક સાથે સળંગ શિક્ષણ વિભાગ હેઠળના જ ઉચ્ચ શિક્ષણ વિભાગના સરકારી આર્ટસ, કોમર્સ, સાયન્સ કોલેજો ના અઘ્યાપકોને વર્ષો પહેલા આ લાભ આપી દેવામાં આવેલ છે, પરંતુ સરકારી ઇજનેરી કોલેજ ના અઘ્યાપકો ને વર્ષોની રજૂઆત અને દરખાસ્તના અંતે પણ આ લાભ અપાયેલ નથી. હાલ માં જ નામદાર હાઇકોર્ટ દ્વારા પણ અલગ અલગ કેસ માં આવા વીસ થી વધુ અઘ્યાપકો ને આ લાભ આપી દેવા સ્પષ્ટ આદેશ કરેલ છે તેમ છતાં સરકારશ્રી દ્વારા આ બાબતે ઉદાસીન વલણ દાખવવામાં આવી રહેલ છે સમાનતા જેવા મૂળભૂત બંધારણીય અધિકારના હનન સમાન છે. પ્રતિનિધિઓની મંડળના પ્રતિનિધિઓની શિક્ષણમંત્રી સાથે થયેલ બેઠકમાં મંત્રીએ બાંહેધરી આપેલ તેમજ નાણાં વિભાગને સૂચના કરેલ હોવા છતાં હજી સુધી કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (સીએએસ) તેમજ અન્ય પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવેલ નથી. સરકારે તાજેતરમાં કરેલી વર્ગ-૧ ની વિનંતી બદલી તે માટે કરાયેલ અરજીઓની સાપેક્ષમાં નજીવી ગણી શકાય તેટલી છે. વર્ગ-2 ની બદલી બાબતમાં હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થવાને હાલ ગણતરીના જ દિવસો બાકી હોઈ, અધ્યાપકો ની ધીરજ ખૂટી રહેલ છે. વર્ષોથી પડતર પ્રશ્નો બાબતે કોઈ હકારાત્મક ઉકેલ ન આવતા સરકારના નકારાત્મક અને અસંવેદનશીલ વલણના કારણે રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકોએ ગત ૧૮ ઓક્ટોબર ના રોજ પ્રતિક ઉપવાસ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જે કાર્યક્રમમાં અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. તા. ૨૦/૧૦/૨૦૨૨ સુધીમાં પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ નહી આવતા અધ્યાપકો હવે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ભોગે કોઈપણ સરકારી કાર્યક્રમમાં સોપવામાં આવેલ ફરજનો બહિષ્કાર કરશે તેમજ ચૂંટણી (ઈલેક્શન) સિવાયની તમામ પ્રકારની બિન શૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર ચાલુ રાખશે.