ગતમોડી રાત્રિથી ઓચિંતા ત્રાટકેલી વિજિલન્સની ટીમ દ્વારા શહેરમાં ચાલતા વિકાસ કામોની સઘન રીતે કરાતી તપાસ મોરબી : મોરબીમાં નગરપાલિકા અને પાણી પુરવઠાના કામોમાં ગેરરીતિની ફરિયાદ વચ્ચે આજે ગાંધીનગરથી મોરબીમાં વિજિલન્સની ટીમ ત્રાટકી હતી અને મોરબી નગરપાલિકા પાલિકા તેમજ પાણી પુરવઠાના 20 કામોની તપાસ કરી હતી. જેમાં હાલ વિજિલન્સ તપાસમાં ગેરરીતિ નહિ પણ નિયમ મુજબ કામ થતું હોવાનું જાણવા મળ્યું છે. મોરબીમાં હાલ નગરપાલિકા અને પાણી પુરવઠાના ચાલી રહેલા કામોની યોગ્ય તપાસ માટે ગાંધીનગરથી વિજિલન્સની ટીમ મોરબી દોડી આવી હતી અને નગરપાલિકા દ્વારા જે 20 કામો ચાલુ હોય તેની સઘન તપાસ કરવામાં આવી હતી. જેમાં છથી સાત કામો ચાલુ થયા ન હોય બાકીના ચાલુ કામોનું સુપરવિઝન કરાયું હતું. જો કે સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ વિજિલન્સ ટીમને આ કામોની તપાસમાં કઈ વાંધાજનક મળ્યું ન હતું.આ ઉપરાંત મોરબી અને વાંકાનેરમાં પાણી પુરવઠા હસ્તકના ચાલતા કામોની સ્થાનિક અધિકારીઓને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી. જો કે વિજિલન્સ ટીમ ગત મોડીરાત્રિથી જ અચાનક ત્રાટકીને શહેરમાં થયેલા વિકાસ કામોની આજે સઘન તપાસ કરી રહી છે.