હોસ્પિટલના બિછાને પડેલા માળીયા તાલુકાના ચમનપર ગામના માસૂમ સંજયને તાત્કાલિક આધારકાર્ડ કાઢી આપી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ અપાવ્યો મોરબી : એક ગરીબ પરિવારનો બાળક બીમાર પડી હોસ્પિટલ પહોંચે છે પરંતુ આ બાળકને બચાવવા માટે હોસ્પિટલ ખર્ચને પહોંચી વળવા પરિવાર અસમર્થ હોય અને બાળકનું આધાર કાર્ડ ન હોવાથી સરકારની આયુષ્યમાન ભારત યોજનાનો લાભ પણ આ પરિવારને મળે તેમ ન હોવાની વિચિત્ર પરિસ્થિતિમાં એક સરકારી અધિકારી આશાનું કિરણ બનીને અચાનક પ્રગટે ત્યારે આ પરિવાર કેટલો ખુશ થાય ? આવી જ વિડંબણા વાળી પરિસ્થિતિમાં માળીયા તાલુકાના ગરીબ પરિવારના બાળક માટે મોરબીના તાલુકા મામલતદાર મદદે દોડી આવી હોસ્પિટલના બિછાને પડેલા બાળકનું આધારકાર્ડ કઢાવી આપી આયુષ્યમાન યોજનનાઓ લાભ અપાવતા આ ગરીબ પરિવારની આંખો છલકી ઉઠી હતી. સામાન્ય રીતે સરકારી અધિકારી કે કર્મચારી પ્રજાને સામાન્ય કામ માટે ધક્કા ખવડાવતા હોવાની સામાન્ય છાપ આમ જનતાના દિમાગ ઉપર છવાયેલ છે ત્યારે મોરબીના મુઠ્ઠી ઉંચેરા તાલુકા મામલતદાર નિખિલ મહેતા સરકારી કર્મચારીઓની સામાન્ય છાપથી સાવ અલગ છે અને જનકલ્યાણ માટે સતત દોડતા રહે છે. આજે આવા જ એક કિસ્સામાં તાલુકા મામલતદાર નિખિલ મહેતાએ ગરીબ માળીયા તાલુકાના ચમનપર ગામના પરિવાર માટે કહાનીઓના પરીના પાત્રની જેમ મદદે દોડી આવતા દેવીપુજક ગરીબ પરિવારના બાળકની નિઃશુલ્ક સારવાર શક્ય બની છે. મામલતદાર નિખિલ મહેતા કહે છે કે, માળીયા તાલુકાના ચમનપપર ગામે રહેતા અમરશીભાઈ દેવીપુજકના એક વર્ષના માસૂમ પુત્ર સંજયને હૃદયની ગંભીર બીમારી હોવાથી મોરબી ખાતેની આયુષ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ પરંતુ આ પરિવાર ખૂબ ગરીબ સ્થિતિનો હોય સારવારના ખર્ચને પહોંચી વળવા સક્ષમ ન હોય બાળકના જીવન સામે પ્રશ્નાર્થ ખડો થયો હતો. બીજી તરફ સંજયની સારવાર માટે સરકારની આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગરીબ નાગરિકોને મફત આરોગ્ય સારવાર મળી રહે તે માટે થઈ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા માટેનુ કાર્ડ કઢાવવા માટે બાળકનું આધાર કાર્ડ જરુરી હતુ પરંતુ આ બાળકની આધાર નોંધણી કરાવેલ ન હોઇ આ ગરીબ પરીવાર મુશ્કેલીમા મુકાયો હતો. અને ગંભીર બીમારીનો ભોગ બનેલ બાળકને આધાર કાર્ડ કઢાવવા સરકારી કચેરીએ લઈ જવું શકય ન હતુ. વધુમાં તેઓ ઉમેરે છે કે આ બાબત તેમના ધ્યાને આવતાં તેઓએ તાત્કાલિક પોતાની આધાર કાર્ડની ટીમને આયુષ હોસ્પિટલ ખાતે મોકલી હોસ્પિટલમાં એડમિટ બાળકના આધારકાર્ડના રજીસ્ટ્રેશનની કામગીરી કરાવી આપેલ હતી અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા માટેનુ કાર્ડ પણ તાત્કાલિક એપ્રુવ કરવા આરોગ્ય અધીકારીને જાણ કરી ગરીબ પરિવારના આસું લુછવા નેક પ્રયાસ કર્યો હતો. આમ, સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાની વ્યકિત સુધી પહોંચાડવાની તાલુકા મામલતદાર અને તેમની ટીમની કામગીરી સરાહનીય હોવાની સાથે ગરીબો પ્રત્યે મોરબીનું વહીવટીતંત્ર સંવેદનશીલ હોવાનું પણ સ્પષ્ટ બન્યું છે.