સ્વ ઘોષણાપત્રથી કેટલા દસ્તાવેજ નોંધાયા ? ચીફ ઓફિસરે સબ રજિસ્ટ્રાર પાસે વિગતો માંગી મોરબી પાલિકામાં નોંધાયેલા ઇજનેરો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી માટે રાજ્ય સરકારને રિપોર્ટ કર્યો મોરબી : મોરબી શહેરમાં ઓનલાઈન બાંધકામ મંજૂરી વગરના ગેરકાયદેસર મિલકતોની દસ્તાવેજ નોંધણી મામલે ગઈકાલે ચીફ ઓફિસર દ્વારા સબ રજિસ્ટ્રારને નોટિસ ફટકારવામાં આવ્યા બાદ હવે ફ્રોડ પ્રમાણપત્ર આપનાર આર્કિટેક્ટ એન્જીનિયરો વિરુદ્ધ કાર્યવાહી કરવા અને તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા રાજ્ય સરકારને રિપોર્ટ કર્યો હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર રાજ્યમાં દસ્તાવેજ નોંઘણી માટે બાંધકામ પરવાનગી અને કમ્પ્લીશન સર્ટીફિકેટ ફરજિયાત હોવા છતાં પણ મોરબી સબ રજીસ્ટ્રાર દ્વારા સરકારના વટહુકમ વિરુદ્ધ સ્વ ઘોષણાપત્ર સાથે આર્કિટેક્ટ ઇજનેરોના સર્ટીફિકેટને આધારે પ્લાન પાસ વગરની મિલ્કતોની દસ્તાવેજ નોંધણી શરૂ કરતા ગઈકાલે મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા સબ રજીસ્ટ્રાર મોરબીને ધગધગતી નોટિસ ફટકારી ક્યાં આધારે આવા બાંધકામ મંજૂરી વગરની મિલકતોના દસ્તાવેજ નોંધો છો ? તે મામલે જવાબ માંગી સરકારની કોઈ સૂચના કે પરિપત્ર હોય તો આપવા જણાવી સરકારના આદેશના ઉલ્લંઘન બદલ ફોજદારી રાહે પગલાં ભરવા સ્પષ્ટ ચેતવણી આપી હતી. દરમિયાન આજે ફરી મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહે વધુ એક નોટીસ ફટકારી હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, સ્વ ઘોષનાપત્ર મુજબ કેટલા દસ્તાવેજ અત્યાર સુધીમાં નોંધવામાં આવ્યા છે અને આવા દસ્તાવેજ નોંધણી માટે લેવાતા સ્વ ઘોષણાપત્રની સાથે સબ રજિસ્ટ્રાર દ્વારા નગરપાલિકામાં નોંધાયેલ ઇજનેરોના પ્રમાણપત્ર પણ લેવામાં આવતા હોય તેની તમામ વિગતો માંગવામાં આવી છે. દરમિયાન ચીફ ઓફિસરે ઉમેર્યું હતું કે, આ છળ કપટ ભરી કહી શકાય તેવી દસ્તાવેજ નોંધણીમા મોરબી પાલિકામા નોંધાયેલ ઇજનેરોના પ્રમાણપત્ર ઉપયોગમાં લેવાતા હોય આ ગંભીર બાબતને ધ્યાને લઇ આવા પ્રમાણપત્ર આપનાર ઈજનેરના લાયસન્સ રદ્દ કરવા રાજ્ય સરકારને રિપોર્ટ કરી ફોજદારી કાર્યવાહી માટે તજવીજ પણ શરૂ કરવામાં આવી હોવાનું તેમને ઉમેર્યું હતું.