પંખો બળી ગયો હોવાથી પાછળના રૂમમાં સુતેલા પરિવારને ઉઘતો રાખી આગળના રૂમમાંથી તસ્કરો સિફતપૂર્વક ચોરી કરી ગયા મોરબી : મોરબીમાં બાયપાસ રોડ ઉપર રહેતા પરિવારને ગતરાત્રે ઉઘતો રાખી તસ્કરોએ તેમનું ઘર સાફ કરી નાખ્યું હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જેમાં આગળના રૂમમાં પંખો બળી ગયો હોય ગતરાત્રે પરિવારજનો પાછળના રૂમમાં સુતા હોવાથી આગળના રૂમમાંથી તસ્કરો બાજુના મકાનની દીવાલ કૂદી અંદર ઘૂસીને સિફતપૂર્વક સોના ચાંદીના દાગીના સહિતના મુદામાલની ચોરી કરી ગયા હતા. મોરબીના બાયપાસ રોડ ઉપર પાંચસર ચોકડી દોશી હાઈસ્કૂલની પાસે આવેલ મહાવીરનગરમાં રહેતા માવજીભાઈ મનજીભાઈ કંઝારિયાના ઘરને ગતરાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આ અંગે માવજીભાઈ મનજીભાઈ કંઝારિયાના જણાવ્યા મુજબ તેમના ઘરમાં ગતરાત્રે બાર વાગ્યાની આસપાસ ચોરી થયાનું અનુમાન છે. તેમના આગળના રૂમ એટલે ઓસરીમાં તેમનો પરિવાર દરરોજ સૂતો પણ ગતરાત્રે ઓસરીનો પંખો ખરાબ થઈ જતા પાછળના રૂમમાં તેઓ પરિવાર સાથે સુતા હતા. ત્યારે બાજુના મકાનની દીવાલ કૂદીને તેમના ઘરમાં ઘુસેલા તસ્કરોએ ઓસરીના રૂમમાંથી ચોરી કરી હતી. તસ્કરોએ પાછળના રૂમમાં સુતેલા પરિવાર જાગી ન જાય તેની ખાસ તકેદારી રાખીને તસ્કરોએ સિફતપૂર્વક સોનાનો હાર, સોનાની ત્રણ બુટી સહિત ચાર તોલા સોનું, ચાંદીના સાંકડા સહિતના રૂ.3 હજાર રોકડા સહિતના મુદામાલની ચોરી કરી ગયા હતા.ઓસરીમાં તાળું ન હોય અને સૌથી વધુ નવાઈની વાત એ છે કે તસ્કરોએ ક્યાંય તોડફોડ કે વેરવિખેર કર્યું નથી. ઘરમાંથી આસાનીથી કબાટની ચાવી શોધી કબાટ ખોલીને ચોરી કરી નથી.આ બનાવ અંગે પરિવારજનોએ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી તપાસ કરી હતી. પણ હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી.