આ ગંભીર બાબત મોરબી નગરપાલિકના ચીફ ઓફિસરના ધ્યાને આવતા મોરબી સબરજીસ્ટારને નોટિસ ફટકારી, ફોજદારીની પણ સ્પષ્ટ ચેતવણી મોરબી : ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામો ન થાય અને લોકો બિલ્ડરોની છેતરપિંડીનો ભોગ ન બને તે માટે બાંધકામ પરવાનગી અને કંપ્લીશન સર્ટિફિકેટ વગરના ફ્લેટ, મકાન દુકાન કે અન્ય કોઈપણ મિલ્કતોના દસ્તાવેજોની નોંધણી કરવાની મનાઈ ફરમાવી છે ત્યારે ગેરકાયદે બાંધકામની નગરી એવા મોરબીમાં સરકારના જ આ નિયમનો ખુલ્લેઆમ છડેચોક ભંગ કરી સ્વૈચ્છીક ઘોષણા પત્રની છટકબારીના બહાને છેલ્લા ત્રણ ચાર દિવસથી આવા બાંધકામ પરવાનગી વગરની મિલકતોની નોંધણી સબ રજિસ્ટ્રાર કચેરીએ શરૂ કરતા મોરબી પાલિકાના ચીફ ઓફિસર ઉકળી ઉઠ્યા છે અને સબ રજિસ્ટ્રાર મોરબીને ધગધગતી નોટિસ ફટકારી આ પ્રવૃત્તિ બંધ કરવા તેમજ ફોજદારી ફરિયાદ નોંધાવવા સ્પષ્ટ ચેતવણી આપી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ ણ ઓથોરાઈઝડ ડેવલોપમેન્ટ ઓર્ડિનન્સ -2022 વટહુકમ અન્વયે શહેરી વિસ્તારમાં ઓનલાઇન કે ઓફલાઈન બાંધકામ મંજૂરી ન હોય અને કંપ્લીશન સર્ટિફિકેટ ન હોય તેવી રહેણાંક, વાણિજ્ય કે અન્ય કોઈપણ મિલ્કતના દસ્તાવેજ નોંધણી ઉપર પ્રતિબંધ લાદયો હોવા છતાં પણ મોરબીના વગદાર બિલ્ડરોએ ગાંધીનગર દોડાદોડી કરી મોરબીના સબરજિસ્ટ્રાર ઉપર પ્રેસર લાવી મૌખિક સૂચનાથી જે તે મિલ્કત ધારકો અને બિલ્ડરના સ્વ ઘોષિત પ્રમાણપત્રને આધારે ત્રણથી ચાર દિવસથી આવા ગેરકાયદે બાંધકામોની નનધણી શરુ કરી દેતા આ બાબત મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરના ધ્યાને આવી હતી જેને પગલે આજરોજ ચીફ ઓફિસર સંદીપસિંહ દ્વારા સબરજીસ્ટ્રારને લેખિત ધગધગતી નોટિસ ફટકારી છે. મોરબી સબ રજિસ્ટ્રારને ફટકારવામાં આવેલી નોટિસમાં ચીફ ઓફિસર સંદિપસિંહે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આપના દ્વારા ગુજરાત ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ ણ ઓથોરાઈઝડ ડેવલોપમેન્ટ ઓર્ડિનન્સ -2022 વટહુકમનું સ્પષ્ટ પણે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સરકારની સપષ્ટ સૂચના હોવા છતાં આપની કચેરી દ્વારા આવા ગેરકાયદે બાંધકામોને સ્વ ઘોષણા પત્રક લઈને નોંધણી કરવામાં આવે છે જેના કારણે ગુજરાત સરકાર દ્વારા 1-10-2022ની સ્થિતિએ ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવાની યોજનાની અમલવારી કરવામાં મોરબીમાં અંતરાયો ઉભા થવાની શક્યતા જોવાની સાથે આ યોજનાની યોગ્ય અમલવારી સામે પણ પ્રશ્નાર્થ ઉભા થવાનો ખતરો દર્શાવ્યો છે. બીજી તરફ મોરબી સબરજિસ્ટ્રાર કે.ડી.જાડેજાનો સંપર્ક કરતા તેઓએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે ગાંધીનગરથી આવેલી મૌખિક સૂચનાને પગલે હાલમાં છેલ્લા ત્રણેક દિવસથી મોરબીમાં બાંધકામ પરવાનગી વગરની મિલકતોની નોંધણી શરુ કરી છે જેમાં જે તે મિલ્કત ધારકોના સ્વ ઘોષણાપત્ર લેવામાં આવે છે. નોંધનીય છે કે ગાંધીનગરથી કોઈપણ પ્રકારનો પરિપત્ર કે સૂચના લેખિત સ્વરૂપમાં ન હોવાનું તેઓએ સ્વીકારી બાંધકામ પરવાનગી વગરની મિલકતોની નોંધણી બંધ કરવામાં આવતા અત્યાર સુધીમાં આવા દસ્તાવેજ નોંધણી થઈ ન હતી પરંતુ હાલમાં આ સ્વ ઘોષણાપત્ર સ્વીકારવામાં આવતા હાલમાં દૈનિક 111 ટોકન ચપોચપ ઉપડી જતા હોવાનું અને આગામી તા.21 સુધી દસ્તાવેજ નોંધણી માટે એકપણ સ્લોટ ખાલી ન હોવાનું જણાવ્યું હતું. આમ, મોરબીમાં દસ્તાવેજ નોંધણીમાં સરકારના જ નિયમનો સરેઆમ છડેચોક ભંગ કરી ગેરકાયદેસર રીતે સ્વ ઘોષણાપત્રક મુજબ નોંધણી શરુ થતા બિલ્ડરોને બટકી ગયેલી મિલ્કતોનું ફટાફટ વેચાણ શરૂ થતા લોકો ખુલ્લી આંખે છેતરાવા લાગ્યા છે અને હાલ સરકારના બે વિભાગો સામસામે આવી ગયા છે.