મોરબી શહેર - જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની લડતને પગલે ઓરિએન્ટ ઇન્સ્યુરન્સને વ્યાજ સહીત નાણાં ચૂકવવા આદેશ મોરબી : કોરોના મહામારીમાં અનેક લોકો ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ અને સારવાર કરાવતા વીમાકંપની આવા કિસ્સામાં મેડીક્લેમ આપતી ન હોવાનું જગજાહેર છે ત્યારે અમદાવાદના વતની એક મહિલાના માતાને કોરોના થયા બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા મૃત્યુ નિપજ્યા બાદ ઓરિએન્ટ ઇન્સ્યોરન્સ કંપનીએ ગવર્મેન્ટ એપ્રુવ્ડ લેબોરેટરીમાં રિપોર્ટ ન કરાવ્યો હોવાથી મેડીક્લેમ ચુકવવામાં હાથ ઉંચા કરી દેતા આ મામલે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે લડત આપતા વીમા કંપનીને ગ્રાહક અદાલતે સાત ટકા વ્યાજ સાથે નાણાં ચૂકવવા હુકમ કર્યો છે. મોરબી શહેર - જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અમદાવાદના વતની કોમલબેન જસાણીના માતા અનિતાબેનને કોરોના બીમારી થતા અમદાવાદની તૃપ્તિ હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી હતી જ્યાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવારમાં મૃત્યુ થતા મૃતક અનિતાબેન ધ ઓરિએન્ટ ઇન્સ્યોરન્સ કંપનીનો મેડીક્લેમ ધરાવતા હોય તેમના પુત્રી કોમલબેને કંપની પાસે મેડીક્લેમ ચૂકવવા માંગ કરતા કંપનીએ ગવર્મેન્ટ એપ્રુવ્ડ લેબોરેટરીમાં રિપોર્ટ ન કરાવ્યો હોવાથી મેડીક્લેમ ચુકવવામાં હાથ ઉંચા કરી દીધા હતા. આ મામલે મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા લડત આપવામાં આવતા ગ્રાહક અદાલતે ધ ઓરિએન્ટ ઇન્સ્યોરન્સ કંપનીને મેડિક્લેમના 1.05 લાખ તેમજ ખર્ચના ત્રણ હજાર રૂપિયા સાત હજાર વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કર્યો હતો. આ તકે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ગ્રાહકોને હક્ક હિત માટે લડવા અનુરોધ કરી છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ તેમના મોબાઈલ નંબર 9825790412 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.