મોરબીના ખોખરા હનુમાનજીના મંદીરથી આગળ ભરતનગર તરફ રોડ ઉપર બનેલા બનાવમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના ખોખરા હનુમાનજીના મંદીરથી આગળ ભરતનગર તરફ રોડ ઉપર સીરામીક કોન્ટ્રાકટરે બે શખ્સોને બાઈક ધીમું ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ સીરામીક કોન્ટ્રાકટર પર ટ્રેકટરના લોઢીયાની કોસથી હુમલો કરી ગંભીર ઇજા કર્યાની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના બેલા (રંગપર) ગામે રહેતા અને સીરામીકમાં કોન્ટ્રાકટર તરીકે કામ કરતા ધર્મેન્દ્રભાઇ ઉર્ફે મોતીભાઇ પુંજાભાઇ કરોતરા (ઉવ-૩૮)એ આરોપીઓ મયુરસિંહ પોપટભા ઝાલા (રહે.હરીપર કેરાળા ગામ તા.જી.મોરબી) અને યશરાજસિંહ દશરથસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૬ના રોજ ભરતનગર ગામની સીમ ખોખરા હનુમાન રોડ ઉપર ખોખરા હનુમાનજીના મંદીરથી થોડે આગળ ભરતનગર તરફ રોડ પર ફરિયાદી ધર્મેન્દ્રભાઇએ આરોપી મયુરસિંહને કહ્યું હતું કે બાઈક ધીમે ચલાવ કોઇકનું એકસીડન્ટ થશે તેમ કહેતા બંન્ને આરોપીઓ ઉશ્કેરાય જઈને ફરીયાદીને જેમ ફાવે ગાળો આપીને બંન્ને આરોપીઓએ ફરીયાદીને માથાના ભાગે ટ્રેકટરના લોઢીયાની કોસ મારતા ફરીયાદીને માથાના ડાબા ભાગે ચીરો પાડી દઇ તથા માથાના ડાબા ભાગે ફ્રેકચર કરી તેમજ માથાના જમણા ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ધર્મેન્દ્રભાઇ ઉર્ફે મોતીભાઇ પુંજાભાઇ કરોતરાની ફરિયાદ પરથી બન્ને આરોપીઓ મયુરસિંહ પોપટભા ઝાલા અને યશરાજસિંહ દશરથસિંહ ઝાલા સામે IPC કલમ-૩૨૪,૩૨૫,૩૨૬,૫૦૪,૧૧૪ GP ACT કલમ-૧૩પ મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.