મોરબીના ઘુંટુ ગામે સંઘાણી પરિવારના મગનદાદાના અવસાન બાદ પરિવારજનોએ વાજતે ગાજતે સ્મશાન યાત્રા કાઢી, જન્મની જેમ મૃત્યુને પણ ઉત્સવ તરીકે ઉજવવાનો ક્રાંતિકારી મેસેજ આપ્યો મોરબી : કોઈપણ વ્યક્તિનું નાની કે મોટી ઉંમરે અવસાન થાય ત્યારે પરિવારજનો ભારે આઘાત અનુભવીને શોકાતુર થઈને પોતાના સ્વજનને અંતિમ વિદાય આપે છે પરંતુ આજે મોરબીના ઘુંટુ ગામના સંઘાણી પરિવારે ક્રાંતિકારી પહેલ કરી છે. સમાજ શુ કહેશે ? તેની જરાય પરવા કર્યા વગર અવસાન પામેલા વયોવૃદ્ધ સ્વજનની શોકને બદલે વાજતે ગાજતે અંતિમ વિદાય આપી જન્મની જેમ મૃત્યુને પણ ઉત્સવ તરીકે ઉજવાનો મેસેજ આપ્યો છે. મોરબીના ઘુંટુ ગામે આવેલા જનકનગરમાં રહેતા ખાધેપીધે સુખી સંપન્ન પરિવારના ઘેઘૂર વડલા સમાન વયોવૃદ્ધ મગનભાઈ મેઘજીભાઈ સંઘણીનું 88 વર્ષની જેફ વયે અવસાન થયું હતું. ત્યારે તેમના પુત્રો રણછોડભાઈ, વસંતભાઈ અને અમૃતભાઈ સહિતના સમગ્ર પરિવારજનોએ પોતાના પિતાની પાણી માંગે તો દૂધ હાજર કરે તેવી સેવા કરી હોય અને આનંદ કિલ્લોલ સાથે પિતા સ્વર્ગે સિધાવ્યા હોવાથી તેમને શોકને બદલે હસતા મુખે અને વાજતે ગાજતે અંતિમ વિદાય આપવાનું નક્કી કર્યું હતું. આ નિર્ણય સમગ્ર પરિવારજનો અને સગા સ્નેહીઓએ પણ વધાવી લેતા વયોવૃદ્ધ દાદાની શબવાહીનીને પણ ફૂલોથી શણગારવામાં આવી હતી અને સ્મશાન યાત્રામાં કોઈને પણ રડવાની અને શોક રાખવાની મનાઈ કરી હરિ ભજન-કીર્તન સાથે વિદાય આપવા પરિવારજનો વાજતે ગાજતે સ્મશાન યાત્રા કાઢી હતી. જેમાં ઓમ નમઃ શિવાય ઘુન ભજન ગાતા ગાતા સ્મશાન યાત્રા કાઢીને આ વયોવૃદ્ધ સ્વજનને અંતિમ વિદાય આપી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમારા સ્વજને સારા સંસ્કારોનું સિંચન અને ઉમદા ચારિત્ર્યનું ઘડતર કર્યું હોય તેમના આદર્શ જીવનના માર્ગે ચાલીને છેલ્લી ઘડી સુધી તેમનો દરેક પડ્યો બોલ ઝીલી પુત્રની તરીકે બધી ફરજ નિભાવી હોય પિતા આનંદ કિલ્લોલ સાથે સ્વર્ગે સિધાવતા અમે હસતા મુખે તેમને અંતિમ વિદાય આપી છે. જો આપણે ફરજમાં ચુક્યા હોય અને મૃત્યુ પછી પોક મૂકીને રડીએ કે ભારે શોકાતુર થઈને વિદાય આપી એ નર્યો દંભ જ કહેવાય. જેમ જન્મને ઉત્સવ તરીકે ઉજવીએ તો મરણને ઉત્સવ તરીકે કેમ ન ઉજવી શકાય ? એવું અંતમાં જણાવ્યું હતું.