મોરબી : વાંકાનેર મોરબી હાઇવે ઉપર લાલપર નજીક આઇસર ચાલકે બેફિકરાઈથી પોતાનો આઇસર ટ્રક સર્વિસ રોડ ઉપરથી હાઈવે ઉપર ચડાવી ડબલ સવારી બાઇકને હડફેટે લેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે પાછળ બેઠેલા અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જી આઇસર ચાલક વાહન રેઢું મૂકી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે મોરબી કબીર ટેકરી શેરી નંબર 7માં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની મહેન્દ્રભાઈ રામાશ્રેયભાઇ શર્માએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે મોડી રાત્રીના સમયે તેમના સાળા પ્રેમ દેવાનંદભાઈ શર્મા અને તેનો મિત્ર રાજન પ્રભસ શર્મા વાંકાનેર તરફથી મોરબી આવતા હતા ત્યારે લાલપર નજીક શૈલેષ કાંટા પાસે સર્વિસ રોડ ઉપરથી પુર ઝડપે આવી રહેલ આઇસર ટ્રક નંબર જીજે - 03 - વાય - 9152ના ચાલકે અચાનક હાઇવે ઉપર આઇસર ચડાવી દઇ અકસ્માત સર્જતાં પ્રેમ અને રાજનને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પ્રેમ શર્માનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું જ્યારે રાજનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત બાદ આઇસર ટ્રક ચાલક વાહન રેઢું મૂકી નાસી જતા પોલીસે મૃતકના બનેવી મહેન્દ્રભાઈ શર્માની ફરિયાદને આધારે આઇસર ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.