ખેડૂતોને હલણનો પ્રશ્ન ઉભો થતા ડીસ્ટ્રીકટ ઇન્સ્પેકટર લેન્ડ રેકર્ડને જમીન માપણી કરવા સૂચના આપવા છતાં જમીનની માપણી અધ્ધરતાલ : હજુ બે કિલોમીટર લંબાઈની દિવાલનું ચણતર બાકી મોરબી : સિરામીક સીટી મોરબીનો દેશ - વિદેશમાં હજારો કરોડનો વેપાર હોવા છતાં અહીં આવતા જતા વેપારીઓને મોરબી પહોંચવા માટે અમદાવાદ અથવા રાજકોટ એરપોર્ટ સુધી લાંબુ થવું પડતું હોય સરકાર દ્વારા રાજશાહી જમાનામાં એરસ્ટ્રીપ ધરાવતા મોરબીને એરપોર્ટ આપવા જાહેરાત કરી હતી પરંતુ સરકારના જ ડીસ્ટ્રીકટ ઇન્સ્પેકટર લેન્ડ રેકર્ડ વિભાગની લાપરવાહીથી હાલમાં એરપોર્ટનો પ્રોજ્ક્ટ અદ્ધરતાલ અને અધૂરો પડ્યો છે. દેશને આઝાદી મળ્યા પહેલા જ રાજાશાહી સમયમાં એરસ્ટ્રીપની સુવિધા ધરાવતા સીરામીક સિટીમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ આધુનિક એરપોર્ટની ઝંખના અધૂરી રહી છે. વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામીક ક્લસ્ટર મોરબીમાં દેશ-વિદેશમાંથી અનેક વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ નિયમિત આવાં જાવન કરતા હોય હજારો કરોડના ટર્નઓવર ધરાવતા મોરબી સુધી આવવા માટે વ્યાપારીઓને ફરિયાત પણે અમદાવાદ અથવા રાજકોટ એરપોર્ટનો ઉપયોગ કરવો પડતો હોય સમયની માંગ જોતા સરકાર દ્વારા મોરબી નજીક આવેલા રાજપર ખાતે એરપોર્ટ નિર્માણ કરવા જાહેરાત કરી 90 હેકટર જમીંનની પણ ફાળવણી કરી દીધી છે. બીજી તરફ વહેલામાં વહેલી તકે મોરબીમાં આધુનિક એરપોર્ટ કાર્યાન્વિત થાય તે માટે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ પણ મંજુર કરી દેતા સાડાપાંચ કિલોમીટરની ત્રિજીયામાં પથરાયેલા 90 હેકટર જમીન ઉપર વિકસાવવામાં આવનાર એરપોર્ટ માટેની બાઉન્ડ્રી વોલ બનાવવા 6.24 કરોડનો ખર્ચ મંજુર કરતા માર્ગ અને મકાન વિભાગ મોરબી દ્વારા અંદાજે 3.5 કિલોમીટર લંબાઈમાં 3.25 કરોડના ખર્ચે બાઉન્ડ્રી વોલનું બાંધકામ પૂર્ણ કર્યું છે. પરંતુ ખેડૂતોનો હલણનો પ્રશ્ન ઉપસ્થિત થતા તંત્ર દ્વારા ડીસ્ટ્રીકટ ઇન્સ્પેકટર લેન્ડ રેકર્ડ વિભાગને તાકીદે જમીનની માપણી કરવા આદેશ કર્યો હતો પરંતુ ખાસ્સો સમય વીતવા છતાં માપણી ન થતા હાલમાં બે કિલોમીટરની દીવાલ બાંધવાની કામગીરી અટકી પડી છે. ઉલ્લેખનીય છે કે, જ્યાં સુધી મોરબીમાં નિર્માણ પામનાર એરપોર્ટની બાઉન્ડ્રી વોલનું બાંધકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી અહીં અંદાજે 1800 મીટરની લંબાઈનો રન-વે પણ બની શકે તેમ ન હોય હાલમાં મોરબી એરપોર્ટનો પ્રશ્ન સરકારના જ એક વિભાગની લાપરવાહ નીતિને કારણે ઘોચમાં મુકાયો હોવાનું ચિત્ર સામે આવ્યું છે.