મોરબીઃ મોરબી નગરપાલિકાના ફાયર વિભાગના નવા ફાયર બાઉઝર વાહનનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા ફાયર વિભાગને મોટું નવું ફાયર બાઉઝર વાહન સોંપવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મંત્રી અને ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના અથાગ પ્રયત્નથી ગુજરાત સરકારમાંથી મોરબી પાલિકા માટે 1 કરોડ 10 લાખની કિંમતનું વોટર બાઉઝર મંજૂર કરવામાં આવ્યું હતું. આ વોટર બાઉઝરની 12 હજાર લિટર પાણીની ક્ષમતા છે. આ વાહનમાં પાણી ખેંચવા માટેનું સક્સન, બી.એ.સીટ, સિલિન્ડર ગેસ, એક્ઝોસ્ટ જનરેટર, હોર્સ પાઈપ, ફાયર ફાઈટરના સાધનો અને 32 ફૂટ ઉંચી સીડી પણ છે. ફાયર બાઉઝરના લોકાર્પણ પ્રસંગે પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ગેરેજ ચેરમેન ભાવિકભાઈ જારીયા, તથા અન્ય ચેરમેન કલ્પેશભાઈ રવેશીયા, ગીરીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ સિરોયા, મનુભાઈ સારેસા, માવજીભાઈ કંઝારીયા, અન્ય સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીફળ વધેરીને આ વાહન ફાયર વિભાગને સોંપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, મોરબી નગરપાલિકાના ફાયર વિભાગ પાસે એક મોટું અને બે નાના ફાયર ફાઈટરના વાહનો હતા. ત્યારે આજ રોજ વધુ એક મોટું ફાયર ફાઈટરનું વાહન મળતાં કુલ ચાર વાહનોની સુવિધા ઉભી થઈ છે. આ વાહન આવનારા દિવસોમાં મોરબીમાં બનતી આગની ઘટનાઓને પહોંચી વળવા માટે ઉપયોગી બનશે.