બ્રિજેશ મેરજાની મેહનત ફળી : એકાદ-બે સપ્તાહમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દોઢેક મહિનામાં નિર્માણ કાર્ય શરૂ થવાનો અંદાજ મોરબી : મોરબીના સતત ટ્રાફિકથી પીડાતા એવા નટરાજ ફાટક વિસ્તારમાં ઓવરબ્રિજના કામ માટે હાલ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. આ માટે 4 એજન્સીઓએ રસ દાખવ્યો છે. મોરબીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ આ બાબતે ગાંધીનગર સતત ફોલોઅપ લઈ આ ઓવરબ્રિજનું કામ સત્વરે શરૂ કરવાના પ્રયાસો ના કારણે હવે અંદાજે બે મહિનામાં આ ઓવરબ્રિજનું કામ શરૂ થઈ જાય તેવું જાણવા મળ્યું છે. મોરબીના નટરાજ ફાટકે ઘણા સમય પૂર્વે ઓવરબ્રિજને મંજૂરી મળી છે. આ વિસ્તારમાં સતત ટ્રાફિક રહેતો હોય, મળેલી રજૂઆતોને ધ્યાને લઈ મંત્રી બ્રિજેશ મેરજાએ રસ લઈને જરૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે હવે ટેન્ડર પ્રક્રિયા પણ એકાદ- બે સપ્તાહમાં પૂર્ણ થનાર છે. મળતી માહિતી પ્રમાણે 4 એજન્સીઓએ ટેન્ડર ભર્યું છે. આ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દોઢેક મહિનામાં ઓવરબ્રિજનું કામ શરૂ કરી દેવામાં આવનાર છે. આમ અંદાજે બે મહિના બાદ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થનાર છે. ઉલ્લેખનીય છે કે રૂ. 74.81 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ ઓવરબ્રિજથી ટ્રાફિકને રાહત ઘણી રાહત મળશે.