ભૂગર્ભ ગટર, ગંદા પાણીનો નીકાલ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, પાણી વિતરણ સહિતના પ્રશ્નોનો નિવેડો લાવવાની માંગ મોરબી : મોરનીના કેનાલ રોડ ઉપર આવેલ દર્પણ-2 સોસાયટીના રહીશોએ ભૂગર્ભ ગટર, ગંદા પાણીનો નીકાલ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, પાણી વિતરણ સહિતના પ્રશ્ને ચીફ ઓફિસરને રજુઆત કરી છે અને આ મામલે ત્વરિત ઉકેલ લાવવાની માંગ ઉઠાવી છે. રજુઆતમાં સ્થાનિકોએ જણાવ્યું છે કે દર્પણ-૨ સોસાયટી મોરબી નગરપારિકાની હદમાં નોંધાયેલ સોસાયટી છે, જેનો નગરપાલિકાનો વેરો સમયસર ભરવા છતાં પણ સોસાયટીમાં નગરપાલિકા તરફથી કોઈ સુવિધા આપવામાં આવેલ નથી. જેથી સોસાયટીમાં આવેલ ૧૩થી પણ વધુ એપાર્ટમેન્ટસના ૧૫૦થી પણ વધુ કુટુંબોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. સોસાયટીની ભૂગર્ભ ગટર અને સોસ ખાડામા કચરો ભરાઈ જતા અવારનવાર ગટરનું પાણી રસ્તા ઉપર આવી જતા અતિશય દુર્ગંધનો સામનો કરવો પડે છે. સોસાયટીમાં ભૂગર્ભ ગટરની સાફ સફાઈની સવલતો આપવામાં આવતી નથી. સોસાયટીમાં ગંદા પાણીના નિકાલની કોઈ સવલત આપવામાં આવેલ ન હોવાથી મચ્છર, માખી તેમજ અન્ય જીવાતોનો ઉપદ્રવ થાય છે, જેની અસરથી સોસાયટીના લોકો, બાળકો, વૃધ્ધોને માંદગીનો અને ડેન્ગ્યુ જેવા રોગચાળાનો સામનો કરવો પડે છે. જેના માટે નગરપાલિકા દ્વારા ક્યારેય ફોગીંગ કરવામાં આવેલ નથી. સોસાયટીમાં અન્ય સોસાયટીની જેમ પેવર બ્લોકની સુવીધા પણ આપવામાં આવેલ નથી. સોસાયટીમાં અવારનવાર પાણી આવતું બંધ થઈ જાય છે, જે સમસ્યાનું નિરાકરણ પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું નથી. આ સોસાયટીમાં અન્ય સોસાયટીની જેમ સ્ટ્રીટ લાઈટની સુવિધા પણ આપવામાં આવેલ નથી. સોસાયટીમાં રખડતા કુતરાઓનો ત્રાસ હોય નગરપાલિકા દ્વારા કુતરા પકડવામાં આવતા નથી. જ્યારે કોઈ નાગરિક સમયસર પોતાનો ટેક્સ અને વેરો નગરપાલિકાને ભરતો હોય ત્યારે એક નાગરિક તરીકેના મૂળભૂત અધિકારોનું ધ્યાન રાખવું નગરપાલિકાની જ બને છે. આ સમસ્યાઓની રજૂઆત નગરપાલિકાને અવારનવાર કરવા છતાં પણ કોઈ અધિકારીએ હાલ સુધી સોસાયટીની મુલાકાત સુદ્ધાં લીધેલ નથી.