મોરબી એલઇ કોલેજ કેમ્પસ નજીક બનેલ બનાવ મોરબી : ચાર વર્ષથી રિસામણે ગયેલા પત્નીને છુટા છેડા આપવા મામલે કોર્ટ કેસ ચાલતો હોવા છતાં એક વ્યક્તિએ યુવાનને રસ્તામાં આંતરી છૂટાછેડા જોઈતા હોય તો રૂપિયા આપવા પડશે કહી યુવાનને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મોરબીના એલઇ કોલેજ નજીક રહેતા અને ડ્રાઇવિંગ કરતા ઘનશ્યામસિંહ સરદારસિંહ ઝાલા નામના યુવાનના પત્ની છેલ્લા ચારેક વર્ષથી રિસામણે હોય ગઈકાલે તેઓ ચાલીને જતા હતા ત્યારે આરોપી મજબુતસિંહ દિલુભા રાઠોડ રહે.મોરબી-૨,મયુર સોસાયટી વાળાએ તેઓને રસ્તામાં આંતરી કહ્યું હતું કે તમારે તમારા પત્નીને છૂટાછેડા આપવા હોય તો રૂપિયા આપવા પડશે. જેથી ફરિયાદી ઘનશ્યામસિંહે આરોપીને કહ્યું હતું કે મારે કૉર્ટ કેસ ચાલે છે જેથી રૂપિયા આપવા નથી. બીજી તરફ આવો જવાબ આપવાથી ઉશ્કેરાઈ ગયેલા મજબૂતસિંહે નજીકમાં પડેલ ધોકો ઉઠાવી ઘનશ્યામસિંહને ગાળો આપી ધોકા વડે માર માર્યો હતો. આ બનાવ અંગે ઘનશ્યામસિંહે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩,૩૨૫,૫૦૪, તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.