પ્રદુષણ ફેલાવનાર પેપર મિલો સામે પગલા ન લેવાય તો હાઇકોર્ટેમાં જવાની ચીમકી મોરબી : મોરબીના ઘુટું ગામે પેપરમિલનું પ્રદુષણ જન આરોગ્ય માટે ખતરારૂપ હોવાની ફરિયાદ સાથે ગામના જાગૃત નાગરિકે જિલ્લા વિકાસ અધિકારી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને રજુઆત કરી છે. સાથે-સાથે પ્રદુષણ ફેલાવનાર પેપર મિલો સામે કડક કાર્યવાહી ન થાય તો હાઇકોર્ટેમાં જવાની ચીમકી આપી છે. મોરબીના ઘુટું ગામના રજનીકાંત કૈલાએ જિલ્લા વિકાસ અધિકારી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને રજુઆત કરીને જણાવ્યું હતું કે, ઘુટું ગામના ગામતળમાં આવેલી પેપર મિલમાંથી એર પોલ્યુશન ફેલાવવામાં આવે છે. આ આ ફેક્ટરીમાંથી નીકળતું હવાનું પ્રદુષણથી ભવિષ્યમાં ગામલોકોને દમ, અસ્થમા અને ફેફસાની ગંભીર બીમારી થવાની ભીતિ છે. ગામનું તળાવ ભરપૂર ચોમાસાને કારણે સ્વચ્છ પાણીથી ભરેલું હોય ગ્રામજનો તે પાણીનો રોજિંદો વપરાશ કરે છે. જ્યારે બાજુના ઉંચી માંડલ ગામનું તળાવ ઓવરફ્લો થયું હોય તેનું પાણી ઘુટું ગામ ઉપરના વોકળા મારફતે તળાવમાં આવતું હોય પણ આ વોકળાના કાંઠે આવેલ પેપરમિલનું વેસ્ટજ પાણી અને કચરો વરસાદી પાણી સાથે ભળીને ઘુટું ગામના તળાવમાં આવતું હોવાથી આવું પ્રદુષણ યુક્ત પાણીના ઉપયોગથી ગ્રામજનોનું આરોગ્ય ખતરામાં હોય વહેલીતકે જવાબદાર સામે કડક કાર્યવાહી કરીને આ પ્રદુષણ ગામના આરોગ્યના હિતમાં બંધ કરવાની માંગ કરી છે. તેઓએ આ ગંભીર રજુઆત સ્થાનિક તંત્રથી માંડીને રાજ્ય અને કેન્દ્રના પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ મુખ્યમંત્રી, રાજ્યના મુખ્ય સચિવ સહિતનાને રજુઆત કરી યોગ્ય પગલાં ન લેવાય તો આ મામલે હાઇકોર્ટેના દરવાજા ખટખટાવાની ચીમકી આપી છે.