સ્થાનિકોએ હમારી માંગે પુરી કરોના સૂત્રોચ્ચાર સાથે સાંસદની ગાડીને ઘેરાવ કરી પાણી ભરાવવા સહિતની સમસ્યા અંગે ઉગ્ર રજુઆત કરી મોરબી : મોરબીના વાડી વિસ્તારોમાં આજે ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્ત માટે આવેલા નેતાઓ સામે સ્થાનિકોએ હમારી માંગે પુરી કરોના સૂત્રોચ્ચાર સાથે સાંસદની ગાડીને ઘેરાવ કરી પાણી ભરાવવા સહિતની સમસ્યા અંગે ઉગ્ર રજુઆત કરી હતી. મોરબીના છેવાડાના 115 વાડી વિસ્તારો તેમજ સોસાયટી માટે આજે ભૂગર્ભ ગટર અને પાણીની લાઈનોના કામનું ખાતમુહૂર્ત બોરીયાપાટી વિસ્તારમાં કરવાનું હોવાથી નગરપાલિકાના તેમજ ભાજપના નેતાઓ હાજરી આપવા આવ્યા હતા. ત્યારે વાડી વિસ્તારના લોકોએ વર્ષો જુના પ્રશ્નને લઈને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને હમારી માંગે પુરી કરો તેવા સૂત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત માટે આવતા નેતાઓની ગાડી રોકી તેમને પાણી ભરાવા સહિતના પ્રશ્નોની રજૂઆતો કરી હતી. જેમાં સાંસદ મોહનભાઈ કુંડારિયાને ગાડીને રોકીને સ્થાનિકોએ તેમને ઘેરાવ કરી વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા અંગે ઉગ્ર રજુઆત કરી હતી કે વર્ષોથી ઢીંચણ સમાણા પાણી ભરાઈ છે. આજની તારીખે પાણી ઢીંચણ સમાણા પાણી ભરાયેલા હોય અમારે ભારે મુશ્કેલી પડે છે. આ બાબતે અનેક રજુઆત કરવા પગલાં લેવાયા ન હોય તમે દરમિયાનગીરી કરીને આ પ્રશ્ન સોલ્વ કરાવો તેવું કહેતા સાંસદ મોહનભાઇએ તમારા જે કાંઈ પ્રશ્ન હશે એને હલ કરવા પુરેપુરા પ્રયાસ કરવા અને આ માટે આવતીકાલે રજુઆત માટે સ્થાનિકોને તેમના કાર્યાલયે આવવાનું કહેતા મામલો થાળે પડ્યો હતો.