દારૂ સાથે ઝડપાયેલા શખ્સે નાગડાવાસના શખ્સ પાસેથી દારૂ લાવ્યાની કબૂલાત આપી મોરબી : મોરબી તાલુકા પોલીસે કોમ્બિંગ નાઈટ દરમિયાન ટીંબડી ગામના પાટિયા નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લઈ એક આરોપીને ગિરફ્તમાં લેવાની સાથે દારૂનો આ જથ્થો નાગડાવાસથી ખરીદ્યો હોવાની કબૂલાત આપતા બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે કાર સહિત 2,20,640નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે કોમ્બિંગ નાઈટ દરમિયાન બાતમીને આધારે ટીંબડી પાટિયા નજીક વોચ ગોઠવી દારૂ ભરેલી અલ્ટો કારને અટકાવવા પ્રયાસ કરતા કાર ચાલક અશોકભાઈ દલાભાઈ રાઠોડ, રહે. વરીયાનગર સો-ઓરડી મોરબી વાળાએ કાર ભગાવી હતી પરંતુ પોલીસે પીછો કરી કારને અટકાવી તલાસી લેતા કારમાંથી રૂપિયા 20,640ની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 48 બોટલ મળી આવી હતી. વધુમાં પોલીસે આરોપી કાર ચાલક અશોકભાઈ દલાભાઈ રાઠોડની પૂછતાછ કરતા દારૂનો આ જથ્થો નાગડાવાસ ગામના ભાવેશભાઈ ઉર્ફે મુન્નો પરબતભાઈ ધ્રાંગા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા મોરબી તાલુકા પોલીસે 2 લાખની અલ્ટો કાર સહિત કૂલ રૂપિયા 2,20,640નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.