દિવસે ફેરી કરીને રેકી કરવા આવતો તસ્કર રાત્રીના મકાનમાં ચોરી કરવા ઘુસ્યોને પકડાયો, લોકોએ મેથીપાક આપી પોલીસ હવાલે કર્યો હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામે રાત્રે ચોરી કરવા રહેણાંકમા ઘુસેલા તસ્કરને ગામ લોકોએ રંગે હાથ ઝડપી લઈ મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પંથકમાં ચોરીના બનાવો અવારનવાર બનતા હોય લોકો ચોકીદારની ભૂમિકામાં આવી જાતે જ પોતાના જાનમાલનું રક્ષણ કરવા રાત્રી રોનમાં નીકળતા હોય છે ત્યારે ગઈકાલે હળવદ તાલુકાના કડીયાણા ગામના રહેવાસી રાજુભાઇ હરખાભાઈ કોળીના મકાનમાં તસ્કર ઘુસી જતા તેઓ જાગી ગયા હતા અને જોત જોતામાં લોકોના ટોળા એકત્રિત થઈ જતા ચોરને રંગે હાથ ઝડપી લીધો હતો. બીજી તરફ ચોરના ત્રાસથી કંટાળેલા લોકોએ ચોરને જોઈ પોતાનો ગુસ્સો ચોર ઉપર ઠાલવી ધોલ ધપાટ કરીને તસ્કરને દોરડે બાંધી હળવદ પોલીસને હવાલે કર્યો હતો. દરમિયાન હળવદ પોલીસનો સંપર્ક કરતા આ તસ્કર મોરબીના રફાળિયા ગામે રહેતો અરવિંદ વેલજી ચૌહાણ હોવાનું અને દિવસે ફેરી કરી ચોરી કરવા પ્રયાસ કરતા ઝડપાઇ જતા પોલીસે જાતે ફરિયાદી બની તસ્કર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.