વિશિપરા વિસ્તારમાં આંબેડકર કોલોનીમાં બનેલી ઘટના મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ આંબેડકર કોલોનીમાં જમ બનેલા જમાઈએ તમારી દીકરીને ક્યારે મોકલો છો કહી સાસુને લાકડી વડે ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ આંબેડકર કોલોનીમાં રહેતા પ્રભાબેન રમેશભાઈ સારેસાની પુત્રી નિરાલીને પતિ વસંતભાઈ દાનાભાઈ રાઠોડ સાથે અણબનાવ બનતા પતિથી અલગ રહેવા ચાલ્યા ગયા બાદ તેની માતા સાથે રહેવા આવી જતા ગઈકાલે વસંતભાઈ રાઠોડ તેમના સાસુ પ્રભાબેનના ઘેર ગયો હતો અને નિરાલીને ક્યારે મોકલવી છે તેમ કહેતા પ્રભાબેને જમાઈને કહ્યું હતું કે તમારા ઘરના બે વડીલને લાવો પછી અમારી દીકરીને મોકલશું. પ્રભાબેનનો જવાબ સાંભળીને ઉશ્કેરાઈ ગયેલા જમાઈ વસંતભાઈએ પોતાની પાસે રહેલી લાકડી વડે સાસુ પ્રભાબેનને ઇજાઓ પહોંચાડી નિરાલીને નહિ મોકલો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે સાસુ પ્રભાબેને જમાઈ વસંત વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 323, 504, 506(2) અને જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.