બાળકીની માતા સાથે પતિની જેમ જ રહેતા ઢગાએ કુકર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસની તત્કાળ કાર્યવાહી મોરબી : મોરબી નજીક ગ્રામ્ય વિસ્તારમાં માસૂમ પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. આ શરમજનક કૃત્ય બાળકીની માતા સાથે પતિની જેમ રહેતા શખ્સે આચર્યું હોવાનું સામે આવતા આ નરાધમ સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તત્કાળ કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધો હતો. મોરબી નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવેલ એક સીરામીક ફેક્ટરીમાં પાંચ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ થયું હોવાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બીજા રાજ્યમાંથી થોડા સમય અગાઉ પતિને છોડીને પોતાની પાંચ વર્ષની શારીરિક રીતે અસક્ષમ દીકરી સાથે સીરામીક કારખાનાની ઓરડીમાં રહીને મજૂરી કામ કરવા આવેલી મહિલાને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો વતની રવિરાજ રાજેન્દ્રભાઈ થરેસા સાથે પ્રેમ સંબંધ બંધાતા આ બન્ને કારખાનાની એક જ ઓરડીમાં ઘણા સમયથી પતિ પત્નીની જેમ જ રહેવા લાગ્યા હતા. દરમિયાન બન્ને પતિ પત્નીની જેમ રહેતા હોય આ સંબંધથી સાવકો બાપ થતો હોવા છતાં આ નરાધમે સાથે રહેતી પરપ્રાંતીય મહિલાની પાંચ વર્ષની દીકરી ઉપર નજર બગાડી ગત તા.3ના રોજ મહિલા પોતાની ઓરડીમાં હોય અને બીજી બાજુની ઓરડીમાં રમતી પોતાની પુત્રી સમાન આ બાળકી પાસે જઈ ઓરડીને અંદરથી બંધ કરીને નરાધમે બાળકી ઉપર કુર્કમ આચર્યું હતું. આ બનાવની બાળકીની માતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ તુરંત તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.