દશેરા નિમિતે જિલ્લા પોલીસ પરિવાર અને રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન મોટાભાગની ગરબીઓમાં હોમ હવન સાથેસાથે બાળાઓને લ્હાણી વિતરણ મોરબી : મોરબીમાં આજે માં શક્તિની સાધના અને ઉપાસનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવનું આજે સમાપન થતાની સાથે આજે અસત્ય ઉપર સત્યના વિજય રૂપે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરા નિમિતે જિલ્લા પોલીસ પરિવાર અને રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું છે. જ્યારે મીઠાઈ અને ફરસાણના વેપારીઓને બે વર્ષ બાદ તડાકો પડ્યો છે. દરેક લોકો મીઠાઈ અને ફરસાણ આરોગી દશેરાની ઉજવણી કરશે. મોટાભાગની ગરબીઓમાં હોમ હવન સાથેસાથે બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવી રહી છે અમુક ગરબીઓ શરદ પૂનમ સુધી ચાલશે અને શરદ પૂનમે બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવશે. મોરબીમાં અર્વાચીન રસોત્સવને પણ ટક્કર આપતો શહેરની વચ્ચોવચ આવેલી વર્ષો જુની શક્તિ ચોક ગરબી અને મંગલ ભુવન પ્રાચીન ગરબીમાં ભપકાદાર રોશની અને ભવ્ય આયોજન છતાં પ્રાચીન ઢબે રજૂ થતા માતાજીના વિવિધ રાસોને કારણે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જ્યારે મોરબીમાં ત્રણ મુખ્ય અર્વાચીન રસોત્સવમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત તમામ મહિલાઓ માટે મુક્ત અને સુરક્ષિત વાતાવરણમાં ફ્રી એન્ટ્રી સાથે આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવ તેમજ બીજા પાટીદાર નવરાત્રી મહોત્સવ અને ઉમિયા નવરાત્રી મહોત્સવમાં નવે નવ દિવસ ખેલૈયાઓ માટે રાત પડે ને દિવસ ઉગે તો માહોલ સર્જાયો હતો. ઉપરાંત શહેરના રવાપર રોડ, શનાળા રોડ પરની સોસાયટીઓ, પંચાસર રોડ વાવડી રોડ, આલાપ પાર્ક, જુના બસ સ્ટેન્ડ, ગાંધીચોક, વંસત પ્લોટ, સાવસર પ્લોટ, કાયાજી પ્લોટ, કાયાજી પ્લોટ, ગાંધીચોકમાં ન્યુ પંચેશ્વરી મેલડી માતાના મંદિરે માત્ર પુરુષો દ્વારા યોજાતી અનોખી ગરબી, જેલ રોડના પોલીસ લાઈનની ગરબી,ન્યુ પ્રજાપ્તની ગરબી, નવલખી રોડ ઉપર ધક્કાવાળી મેલડી માતાજીની ગરબી, ગ્રીનચોક અને દરબાર ગઢ આસપાસના નાના મોટા અનેક વિસ્તારોમાં, સામાકાંઠે રોટરી, રિલીફ, વિધુતનગર, જન કલાયણનગરમાં માં નવરાત્રી ગરબી ફ્રી સ્ટાઇલ દાડિયા રાસ, જુના નવા ગુજરાત હાઉસિંગ બોર્ડ, ત્રાજપર વિસ્તારમાં, સોઓરડીમાં મેલડી ગરબી, વરિયા પ્રજાપતિ ગરબી, શક્તિ ગરબી સહિતના દરેક વિસ્તારમાં પ્રાચીન ગરબી તેમજ ગ્રામણી વિસ્તારમાં વર્ષો જૂની ગરબીમાં ચાચાપર, વિરપર, ઉમિયાનગર, ખાનપર, સદુળકા, આંદરણા, ઉંચી -નીચી માંડલ, લજાઈ સહિતના દરેક વિસ્તારમાં વર્ષોની પરંપરા મુજબ નવે નવ દિવસ ઢોલ નગારા અને શરણાઈ તેમજ માઈકના સુરે બાળાઓ રાસ ગરબાની રમઝટ બોલાવીને માતાજીની આરાધના કરી હતી. મોટાભાગની પ્રાચીન ગરબીઓમાં આજે નવરાત્રી પુરી થતા વિધિવત હોમ હવન કરવામાં આવ્યો હતો અને બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવી હતી. દરમિયાન આજે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજય રૂપે વિજયા દશમીના પર્વની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાની ઉજવણીને લઈને સામાન્યથી માંડી ઘનિક વર્ગમાં અનેરો ઉમગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. જ્યારે દશેરામાં મીઠાઈ અને ફરસાણ ખાવાની પરંપરા હોવાથી હવે કોરોનાની વિદાયથી આજે દશેરાએ મીઠાઈ ફરસાણના વેપારીઓનું ઘોડુ દોડયું હતું. આજ સવારથી તમામ મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ખરીદી માટે ભારે ઘસારો થતા વેપારીઓને તડાકો પડી ગયો હતો. દશેરા નિમિતે કોરોના કાળ કરતા આજે વધુ મીઠાઈ અને ફરસાણની ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાટા, ફાફડા, જલેબી અને ચોરફરી તેમજ વિવિધ મીઠાઈની લોકો ભારે ખરીદી કરી રહ્યા છે. આથી વેપારીઓના અંદાજ મુજબ આજે જે રીતે ધૂમ ખરીદીનો માહોલ જોતા દશેરાએ 75 હજાર કિલો જેટલી મીઠાઈ અને કેસરી તેમજ સફેદ સાટા અને 12 હજાર કિલો ચોરાફરી તેમજ ફાફડા જલેબી હજારો કિલો વેચાણ થવાનો અંદાજ છે. જો કે આ વખતે તેલના ભાવ ઘટયા હોવાથી મીઠાઈ અને ફરસાણમાં ભાવ વધ્યા નથી. જલેબી 200 રૂપિયા કિલો અને સાટા 240 રૂપિયા કિલો તેમજ ચોરાફરી 260 રૂપિયાના ભાવે કિલો મળે છે. દશેરા નિમિતે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા અને રાજપૂત સમાજ દ્વારા મોટી સંખ્યામાં રાજપૂત ભાઈઓ સાંમાકાંઠે રેલી કાઢી શનાળા શક્તિ માતાજીના મંદિરે પહોંચી શસ્ત્ર પૂજન કરાશે.