મોરબી : મોરબી તાલુકાની ખેવાળિયા પ્રાથમિક શાળાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા રંગેચંગે 'શાળા શતાબ્દી મહોત્સવ' ઉજવવામાં આવ્યો હતો. જેમાં ૧૦૦ દીપ પ્રગટાવીને શાળા શતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. શાળા શતાબ્દી મહોત્સવમાં ગામના સરપંચ વિશાલભાઈ કનોજીયા, ઉપસરપંચ ગુલાબસિંહ ઝાલા તથા તમામ માજી સરપંચો, સી.આર.સી કોર્ડીનેટર રમેશભાઈ કાલરીયા, તાલુકા શાળાના આચાર્ય કિશોરભાઈ આદ્રોજા, એસએમસી અધ્યક્ષ તથા સભ્યો, શાળામાં નોકરી કરી ચૂકેલા ભૂતપૂર્વ આચાર્યો, દાતાઓ, ગ્રામજનો, શાળાના શિક્ષકોક તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાબ્દિક સ્વાગત શાળાના શિક્ષક પરેશભાઈ બપોલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના સો વર્ષનો ઇતિહાસ એટલે કે 'શાળાની વિકાસ ગાથા' શિક્ષક સરસાવાડીયા અનિલભાઈ દ્વારા ખૂબ જ સુંદર રીતે રજુ કરવામાં આવી હતી. ત્યારબાદ આ શાળામાં અભ્યાસ કરેલ સૌથી મોટી ઉંમરના વયોવૃદ્ધ હયાત વિદ્યાર્થીને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. આજ ગામના દાતા (હાલ લંડનમાં રહે છે) ભરતભાઈ કવૈયા દ્વારા શાળા શતાબ્દી મહોત્સવ નિમિત્તે શાળાને સ્માર્ટ ટીવી ભેટ સ્વરૂપે અર્પણ કરાયા હતા. આ ઉપરાંત ગામના દાતા લવજીભાઈ અરજણભાઈ શેરસીયા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને મફત પ્રવાસ કરાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેમના દ્વારા અગાઉ પણ વિદ્યાર્થીઓને મફત પ્રવાસ કરાવેલ છે. ગામના સરપંચ તથા સી.આર.સી કોડીનેટર અને ભૂતપૂર્વ આચાર્ય પ્રવિણભાઈ પૈજા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. અંતમાં શિક્ષક અરવિંદભાઈ સાવરીયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂરો થયા બાદ ગામના દાતા હસમુખભાઈ ત્રિભોવનભાઈ શેરસીયા દ્વારા નાસ્તો પણ કરાવાયો હતો. આમ, ખૂબ જ ભવ્ય રીતે ખેવાળિયા પ્રાથમિક શાળાના શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.