નાટક જોવા મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડી ગૌમાતા માટે ઉદાર હાથે દાનની સરવાણી વહાવી મોરબી : મોરબી નજીક આવેલા વિરપર ગામે વર્ષોની પરંપરા મુજબ નવરાત્રી દરમિયાન ગૌમાતાના લાભાર્થે યોજાયેલા ઐતિહાસિક નાટકમાં નાટક જોવા મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડી ગૌમાતા માટે ઉદાર હાથે દાનની સરવાણી વહાવી હોવાથી એક જ રાતમાં માતબર કહી શકાય તેટલો ગૌમાતા માટે રૂ.27.56 લાખનો ફાળો એકત્ર થયો હતો. મોરબી નજીક વિરપર ગામે વર્ષોથી ગૌમાતાના સેવાના ઉદ્દેશ્ય સાથે આજના ડિજિટલ યુગમાં પણ નાટકકલા જળવાઈ રહી છે. વર્ષોથી ગૌમાતાના દાન માટે યોજાતી નાટકની પરંપરા મુજબ હાલ નવરાત્રી મહોત્સવ દરમિયાન ગઈકાલે રાત્રે પાંચમા નોરતે ગૌસેવા યુવક મંડળ દ્વારા મહાન ધાર્મિક નાટક બાવો ધુંધળીનાથ યાને અમરનગરી ઢાંક બખૂબી પૂર્વક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.સાથેસાથે હાસ્ય કોમિક ભીખુડા ઘરઘેણુંએ પણ સૌને પેટ પકડીને હસાવ્યા હતા. આ નાટક અને હાસ્ય કોમિકે એવી ધૂમ મચાવી હતી કે નાટક જોવા ગ્રામજનોના દીકરી જમાઈ સહિતના સગા સબધીઓ તેમજ આસપાસના ગામોના લોકો મોટી સંખ્યા ઉમટી પડતા હકડેઠઠ જનમેદનીથી નાટકનું ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું હતું. જો કે નાટક ગૌસેવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે યોજાયુ હોવાથી મોટી સંખ્યામાં લોકોએ ગૌમાતા માટે દાન કરતા એક જ રાતમાં રૂ.27.56 લાખનો ફાળો એકત્ર થયો હતો.