પંચાસર રોડ ઉપર ગીતામીલ પાસે બનેલી ઘટનામાં ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર ગીતામીલ પાસે ઇન્સ્ટાગ્રામમા સ્ટોરી મુકવા મામલે યુવાન ઉપર ત્રણ શખ્સોએ લોખંડના પાઈપથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઉપરાંત આ યુવાનને છોડાવવા જતા તેની સાથે રહેલા વ્યક્તિને પણ ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર જલજલા પાનની પાસે રહેતો અને મજૂરી કામ કરતો નવાબભાઇ ઉર્ફે બાદશા ફતેમામદભાઇ કટીયા (ઉ.વ.૨૭) નામનો યુવાન ગઈકાલે મોરબીના પંચાસર રોડ ઉપર ગીતામીલ પાસે હતો. જો કે નવાબભાઇએ અગાઉ ઇન્સ્ટાગ્રામમા સ્ટોરી મુકેલી હોય તેનો ખાર રાખી મકબુલભાઇ મેહબુબભાઇ દલવાણી તથા વિપુલભાઇ ગઢવી અને એજાજ ઉર્ફે બાબુલાલ પઢીયારએ યુવાનને જમણા હાથના કોણીના ભાગે લોખંડના પાઇપ વતી એક ઘા મારી તેમજ જમણા પગે ઢીંચણના ભાગે તથા પંજાના ભાગે લોખંડના પાઇપ વડે માર મારી અને માથામા પાછળના ભાગે તથા જમણી આંખ ઉપર કપાળના ભાગે લોખંડના પાઇપ વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. જો કે આ યુવાનને છોડાવવા વચ્ચે પડેલા તેની સાથેના હનીફને પણ આરોપીઓએ ઢીકાપાટુનો મુંઢમાર મારી ફરીયાદી તથા સાહેદને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે નવાબભાઇ ઉર્ફે બાદશા ફતેમામદભાઇ કટીયાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ મકબુલભાઇ મેહબુબભાઇ દલવાણી તથા વિપુલભાઇ ગઢવી અને એજાજ ઉર્ફે બાબુલાલ પઢીયાર સામે આઇ.પી.સી. કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.