વર્ષોથી પ્રખ્યાત શક્તિ ચોક અને મંગલ ભુવન પ્રાચીન ગરબી સહિત દરેક વિસ્તારમાં, શેરી ગલીમાં યોજયેલી પ્રાચીન ગરબીઓ ભારે જમાવટ કરશે પ્રાચીન ગરબીઓમાં બાળાઓ રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરશે માતાના ભક્તોએ પ્રથમ નોરતેથી જપ-તપ, ઉપવાસ સાથે અનુષ્ઠાન શરૂ કર્યું મોરબી : જગત જનની માં જંગદબાની ભક્તિ કરવાના સુવર્ણ અવસર સમાન નવરાત્રી મહોત્સવ આજથી શરૂ થયો છે. મોરબીમાં આ વખતે બે વર્ષ બાદ અગાઉની જેમ મુક્તપણે દરેક જગ્યાએ પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવ અયોજનો થયા હોવાથી દરેક જગ્યાએ વર્ષો જૂની યોજાતી પ્રાચીન ગરબીઓમાં આજ રાત્રિથી જ રાસ ગરબાની રંગત જામશે. જેમાં ચોકે ચોકે સોળે શણગાર સર્જ્યો છે. દરેક વિસ્તારમાં પ્રાચીન ગરબીમાં આજ રાત્રિથી જંગદબા સ્વરૂપા બાળા ઢોલ, શરણાઈ, મજીરા અને પેટી-દોકલ, નગારાની વર્ષો જૂની પરંપરા સાથે રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરશે. મોરબીમાં આજે સોમવારથી નવરાત્રી મહોત્સવ શરૂ થઈ ગયો છે. આથી અનેક ભક્તોએ માતાજીની સાધના શરૂ કરી છે. માતાના ભક્તોએ પ્રથમ નોરતેથી જપ-તપ, ઉપવાસ સાથે અનુષ્ઠાન શરૂ કર્યું છે. નવરાત્રી દરમિયાન દરરોજ ભક્તો માતાજીની કઠોર સાધના કરીને જગતના કલ્યાણ માટે પ્રાર્થના કરશે. છેલ્લા 39 વર્ષોથી આકર્ષણ જમાવતી શહેરના ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલ શક્તિ ચોક ગરબી અને 40 વર્ષ કરતા પણ વધુ સમયથી જૂની મંગલ ભુવન ગરબીને અર્વાચીન રાસોત્સવને પણ ટક્કર મારે તેવો ભવ્યાતિભવ્ય શણગાર કરવામાં આવ્યો હોય શક્તિ ચોક ગરબી અને મંગલ ભુવન ગરબીમાં ભવ્ય મંડપ, વિશાળ સ્ટેજ અને રોડ ઉપર અદભુત રીતે રોશનીની સજાવટ સાથે આજથી નવે નવે દિવસ બાળાઓ રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરશે. આ ગરબીને આધુનિક રંગ જરૂર સ્પર્શયો છે. આ ગરબીઓ માડી તારા અઘોર નગારા જેવા પ્રાચીન રાસ ભારે જમાવટ કરતા હોવાથી પ્રાચીન રાસ જોવા હજારો લોકો ઉમટી પડશે. આ ઉપરાંત શહેરના રવાપર રોડ, શનાળા રોડ પરની સોસાયટીઓ, જુના બસ સ્ટેન્ડ, ગાંધીચોક, વંસત પ્લોટ, સાવસર પ્લોટ, કાયાજી પ્લોટ, કાયાજી પ્લોટ, ગાંધીચોકમાં માત્ર પુરુષો દ્વારા યોજાતી અનોખી ગરબી, ગ્રીનચોક અને દરબાર ગઢ આસપાસના નાના મોટા અનેક વિસ્તારોમાં, સામાકાંઠે રોટરી, રિલીફ, વિધુતનગર, જન કલાયણનગરમાં માં નવરાત્રી ગરબી ફ્રી સ્ટાઇલ દાડિયા રાસ, જુના નવા ગુજરાત હાઉસિંગ બોર્ડ, ત્રાજપર વિસ્તારમાં, સોઓરડીમાં મેલડી ગરબી, વરિયા પ્રજાપતિ ગરબી, શક્તિ ગરબી સહિતના દરેક વિસ્તારમાં પ્રાચીન ગરબીમાં આજથી જૂની અને નવી પરંપરા સાથે ભક્તિભાવ સાથે રાસ ગરબા રમીને બાળાઓ માતાજીની આરાધના કરશે. સાથેસાથે અર્વાચીન રાસોત્સવના આયોજન થયા છે. જેમાં શહીદોના લાભાંર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવ, ઉમિયા નવરાત્રિ મહોત્સવ અને યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ મોટાભાગના યુવાનો નવરાત્રીમાં રાસ ગરબે ઘુમવા માટે ભારે ઉત્સાહિત હોય યુવાનો માટે આજથી રાત પડેને દિવસ ઉગે તેવો માહોલ સર્જાશે. એકંદરે નવરાત્રીના મહોત્સવના આજથી પ્રારંભ સાથે જ વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું છે. દરેકમાં માતાજીની અનોખી શક્તિનો સંચાર થયો હોય માતાજીના ભક્તોમાં દિવ્ય અને અલોકીક વાતાવરણની અનુભૂતિ થઈ રહી છે. સાથે આજથી રાસ ગરબાની ચારેકોર રમઝટ સાથે માતાજીની ભક્તિના ગુણગાન થવાના હોવાથી લોકો માતાજીની ભક્તિમાં તલ્લીન બની જશે.