કુલ ૧૨૩ જેટલા વિદ્યાર્થીઓનું સમાજના મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું મોરબી : મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો ૧૩મો વિદ્યાર્થી સન્માન સમારોહ ૨૫ સપ્ટેમ્બરના રોજ મચ્છોયા આહીર જ્ઞાતિની વાડી ખાતે યોજાયો હતો. આ સન્માન સમારોહમાં અધ્યક્ષ સ્થાને માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠોડ તથા ઉદ્ઘાટક તરીકે વવાણીયા રામબાઈમાની જગ્યાના મહંત કિશનદાસજી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાં રહેતા આહીર જ્ઞાતિના લોકો વિશાળ સમુદાયમાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી અને મહાનુભાવોએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. મંડળના મંત્રી મયુરભાઈ ગજીયા દ્વારા આમંત્રિત સર્વેનું સ્વાગત કરી કાર્યક્રમને આગળ ધપાવતા મંડળના પ્રમુખ અજયભાઈ ડાંગરે છેલ્લા ૧૩ વર્ષથી મંડળ દ્વારા થતી કામગીરીનો ચિતાર આપ્યો હતો. ખાસ કરીને તેમણે ભવિષ્યના વર્ષોમાં યોજનાર કાર્યક્રમના દાતાઓ અત્યારથી તેમને દાન નોંધાવી સહકાર આપી રહ્યા છે, તે મંડળની સફળ કામગીરી ગણાવી હતી. મોરબી રામધન આશ્રમના મહંતા ભાવેશ્વરી બહેને મંડળની કામગીરી બિરદાવી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. મુખ્ય વક્તા તરીકે એડિશનલ કલેક્ટર જયશ્રીબેન કુંભરવાડીયા, એડિશનલ કલેકટર ઈલાબેન આહીર તથા આસિસ્ટન્ટ કમિશનર જીએસટી નિર્મળભાઈ ગોગરાએ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે કયા અવકાશો રહેલા છે અને તે શું કરી શકે તેમ છે તે સંદર્ભે તર્કસંગત માર્ગદર્શન આપ્યું હતું. જ્ઞાતિના શૈક્ષણિક વિકાસ માટે સમાજની આદર્શલક્ષી વ્યવસ્થા કેવી હોવી જોઈએ તે સંદર્ભે પણ તેમણે તર્કસંગત માર્ગદર્શન આપ્યું હતું. જ્ઞાતિના આ ત્રણેય ઉચ્ચ અધિકારીઓના વક્તવ્યો અસરકારક રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત આહીર કેળવણી મંડળના પ્રમુખ હરદાસભાઇ ડાંગર તથા ડો. હર્ષાબેન મોરે પણ વિદ્યાર્થીના કારકિર્દી વિકાસ માટેના સૂચનો આપ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના આહીર જ્ઞાતિના ધોરણ ૧૦, ૧૨ અને ઉચ્ચ શિક્ષણના ફાઇનલ વર્ષમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર ૫૬ જેટલા વિદ્યાર્થીઓને શીલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એ મળીને કુલ ૧૨૩ જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને પેનથી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત ગત વર્ષ દરમિયાન મંડળના જે કર્મચારીઓ સેવા નિવૃત્ત થયેલ હોય તેમને પણ નિવૃત્તિ સન્માન આપવામાં આવેલ હતું. કાર્યક્રમના દાતા તરીકે કાળુભાઈ પોલાભાઈ ચાવડાએ આર્થિક સહયોગ આપેલ હતો. આ કાર્યક્રમમાં જ્ઞાતિના આગેવાન લાખાભાઈ જારીયા, દેવાભાઈ અવાડિયા, ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નિમુબેન ડાંગર, પ્રકાશભાઈ ચબાડ, ભાવિકભાઈ જારીયા, નરસંગભાઇ હુંબલ, દિનેશભાઈ ગરચર, શર્મિલાબેન હુમ્બલ, ડો. સંદીપભાઈ ચાવડા, રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળના મનસુખભાઈ બાળા તથા કિરીટભાઈ મૈયળ, પૂર્વ પ્રમુખ રામભાઈ વારોતરીયા તથા મહેન્દ્રભાઈ કચોટ, વવાણીયા રામબાઈમાં ટ્રસ્ટના પ્રમુખ જશુભાઈ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કર્મચારી મંડળની સમગ્ર ટીમે ખૂબ જહેમત ઉઠાવેલ હતી. અંતમાં મંડળના ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાંગરે આભાર વિધિ કરી હતી.