મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, 20 જેટલા મુરતિયા તૈયાર મોરબી : વિધાનસભા ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે ગઈકાલે મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન મોરબી માળીયા બેઠક માટે કુલ એક ડઝન મુરતિયા મેદાને આવ્યા છે તો વાંકાનેર ટંકારા બેઠકમાં સીટીંગ ઘારાસભ્ય પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે આમ છતાં આ બેઠક ઉપર પણ કેટલાક મુરતિયા મેદાને આવતા જિલ્લાની ત્રણ બેઠકમાં કુલ 20 જેટલા દાવેદરોએ ચૂંટણી લડવા બાયોડેટા સાથે તૈયારી કરી હાઇકમાન્ડ સમક્ષ પોતાની માંગણી મૂકી છે. ઓલઇન્ડિયા કોંગ્રેસ મહામંત્રી અને સૌરાષ્ટ્ર કચ્છના પ્રભારી રામકિશન ઓઝા અને પૂર્વ રેલવે મંત્રી નારણભાઇ રાઠવાની હાજરીમાં ગઈકાલે મોરબી સર્કિટ હાઉસ ખાતે જિલ્લાની ત્રણેય બેઠકો માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી જેમાં સૌથી વધુ 12 દાવેદારોએ મોરબી માળીયા બેઠક લડવા દાવેદારી કરી હતી. મોરબી - માળીયા, વાંકાનેર અને ટંકારા પડધરી વિધાનસભા બેઠક માટે કુલ 20 જેટલા દાવેદારો મેદાનમાં આવ્યા હતા જેમાં મોરબી માળીયા બેઠક માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ,મુકેશભાઈ ગામી, ધર્મેન્દ્રભાઈ વિડજા, દિલીપભાઈ સરડવા, અમુભાઈ હુંબલ, રાજુભાઇ આહીર, કાંતિલાલ બાવરવા, ક્રિષ્નાબેન બાવરવા, દેવેન્દ્રસિંહ જાડેજા, ભાવનિકભાઈ મૂછડીયા,રાજુભાઇ કાવર અને ડૉ.લખમણભાઈ કણઝારીયાએ ટિકિટ માંગી છે. જો કે, ટંકારા બેઠક માટે રનિંગ ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને વાંકાનેર બેઠક ઉપર મહમદ જાવીદ પીરજાદા પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે આમ છતાં આ બેઠક માટે પણ અનેક આગેવાનોએ ટિકિટ માટે દાવેદારી નોંધવી હોવાનું કોંગ્રેસના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.