નવા ડેલો રોડ અને શનાળા રોડ ઉપર સઘન ચેકિંગ કરી વેપારીઓને રૂ.૧૫૦૦નો દંડ ફટકાર્યો મોરબી : મોરબી નગરપાલિકાની ટીમે લાંબા સમય બાદ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપરનો પ્રતિબંધનો અચાનક જ અમલ શરૂ કરી આજે સતત બીજા દિવસે સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં ત્રાટકીને પર્યાપ્ત માત્રામાં પ્લાસ્ટિકને ઝડપીને વેપારીઓને ગઈકાલની જેમ મામુલી રૂ.૧૫૦૦નો દંડ ફટકાર્યો હતો. પાલિકાએ નવા ડેલો રોડ અને શનાળા રોડ ઉપર પ્લાસ્ટિકના વિક્રેતા સામે માત્ર દંડનીય કાર્યવાહી કરી હતી. પર્યાવરણને નુકશાન પહોંચાડતા સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે એક જ વખત વપરાતી પ્લાસ્ટિકની કેરી બેગ, સ્ટ્રો, કાંટા, ચમચી સહિતની 19 વસ્તુઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય ત્યારે લાંબા સમય બાદ મોરબીમાં આવા પ્રતિબધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ ખુલ્લેઆમ વેચાતી હોવાની ફરિયાદને પગલે ગઈકાલથી નગરપાલિકા દ્વારા પ્રતિબધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ ખુલ્લેઆમ વેંચતા વિક્રેતા સામે કાર્યવાહી કરી હતી અને સતત આજે બીજા દિવસે પણ પાલિકાની ટીમે આ કાર્યવાહી ચાલુ રાખી હતી. જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઈન્સ્પેકટર કૃષ્ણસિંહ જાડેજા તથા તેની ટિમ દ્વારા આજે નવડેલાં મેઇન રોડ પર તથા શનાળા રોડ ખાતે આવેલ ભવાની પ્લાસ્ટિક, અનિતા પ્લાસ્ટિક, ક્રિષ્ના ટ્રેડર્સ અને શ્રી ચામુંડા પ્લાસ્ટિકની દુકાનોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકાની ટીમે પ્લાસ્ટિક ઝબલા-૩૧ કિલો, પ્લાસ્ટિક પાન પીસ-૧૮ પેકેટ સહિતનું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરી વેપારીઓને રૂ.૧૫૦૦ નો દંડ ફટકાર્યો હતો. જો કે નવા કાયદા મુજબ આવું પ્લાસ્ટિક વેચવા મામલે જેલની સજા અને એક લાખના દંડની પણ જોગવાઈ છતાં મામુલી દંડ કરાયો છે.