મોરબીના બેલા ગામ નજીક એક્સિસ બેન્કના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું : પોલીસે ત્રણને દબોચી લીધાની ચર્ચા મોરબી : મોરબીમાં તસ્કરોને પોલીસનો ડર ન રહ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે એક જ અઠવાડિયામાં બીજી વખત એટીએમ તોડવાનો નિષ્ફ્ળ પ્રયાસ થયો છે. જો કે એક જાગૃત ચા વાળાએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા હોવાનું જાણવા મળે છે. નોંધનીય છે કે એટીએમ તૂટવા પાછળ રાત્રી સમયે એટીએમ ઉપર સિક્યુરિટી ગાર્ડ ન રાખવાની બેન્કની બેજવાબદારી પણ કારણભૂત મનાઈ રહી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બેલા ગામના પાદરમાં આવેલ એક્સિસ બેન્કના સિક્યુરિટી ગાર્ડ વગરના એટીએમને ગતરાત્રીના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જો કે એટીએમની કરન્સી ચેસ્ટ ન તૂટતાં થાકેલા તસ્કરો નજીકમાં આવેલી ચાની લારીએ ચા પીવા જતા જાગૃત એવા ચા વાળાએ ઘટના અંગે ત્વરિત પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્રણ શખ્સોને દબોચી લીધા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે ચારેક દિવસ પૂર્વે મોરબીના રવાપર રોડ ઉપર પણ સિક્યુરિટી ગાર્ડ વગરના રેઢા પડ એટીએમને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને જોગાનું જોગ ત્યાંથી પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસ નીકળતા આરોપી ઝડપાઇ ગયો હતો. ગઈકાલની ઘટનામાં પણ ચા ની હોટેલ સંચાલકની જાગૃતતાથી ત્રણ શખ્સ પોલીસ ગિરફ્તમાં આવ્યા હોવાનું અને આ ત્રણેય ઈસમો પંજાબી હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.