સુસવાવ ગામ નજીક કેદારધારા પાસે પિતૃકાર્ય કરવા સમયે ડેમમાં નાહવા પડતા સર્જાઈ દુર્ઘટના હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામ નજીક આવેલા શક્તિસાગર ડેમ એટલે કે બ્રાહ્મણી -2 ડેમ પાસેના પૌરાણિક કેદારધારા ખાતે આજે પિતૃકાર્ય કરવા આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના રાયસંગપર ગામનો યુવાન નાહવા જતા પાણીમાં ડૂબી જતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામ નજીક આવેલ શક્તિસાગર બ્રાહ્મણી -2 ડેમ પાસે આવેલ કેદારિયો ધરો પૌરાણિક મહત્વ ધરાવતો હોય અહીં દૂર-દૂરથી લોકો પિતૃકાર્ય કરવા આવતા હોય છે જેમાં આજે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના રાયસંગપર ગામેથી એક પરિવાર પણ પિતૃકાર્ય કરવા આવ્યો હતો. જેમાં આ પરિવારનો દીપાભાઇ સવાભાઈ દેવીપૂજક ઉ.25 નામનો યુવાન નજીકમાં ન્હાવા જતા પાણીમાં ગરક થઈ ગયો હતો. પિતૃકાર્ય સમયે જ ઊંડા પાણીમાં યુવાન પાણીમાં ગરક થઇ જતા દેવીપૂજક સમાજના પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, પાણીમાં ડૂબી જનાર યુવાન દીપાભાઇને સંતાનમાં બે દીકરા અને એક દીકરી હોવાનું અને દીકરી દસ જ દિવસની હોવાનું જાણવા મળે છે. હાલમાં સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ ચાલુ છે અને બનાવ અંગે પોલીસને પણ જાણ કરાઈ છે.