માલધારીઓના વિરોધ વચ્ચે મોરબીમાં અંદાજે 2 લાખ લીટર દૂધનું વિતરણ અટક્યું : ટંકારા, હળવદ અને માળિયામાં પણ જોરદાર અસર મોરબી : ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચવાની મુખ્ય માંગ સાથે આજે મોરબી સહીત રાજ્યભરમાં માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણ નહીં કરવા નિર્ણય કર્યો છે ત્યારે આજની આ દૂધ હડતાળને પ્રચંડ સમર્થન સાંપડ્યું છે. મોરબીમાં આજે મોટાભાગની ખાનગી ડેરીઓ બંધ રહેવા પામી છે, સાથે જ ઘેર - ઘેર થતું દૂધ વિતરણ પણ બંધ રહ્યું છે. માલધારી સમાજના એલાનને ચાની હોટલના ધંધાર્થીઓએ પણ ટેકો આપતા આજે મોરબી જિલ્લામાં મોટાભાગની ચાની લારીઓ અને હોટેલો બંધ જોવા મળી હતી. સાથે જ જિલ્લાના ટંકારા, હળવદ અને વાંકાનેરમાં પણ દૂધ વિતરણ ઠપ્પ રહ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. સરકાર ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચે, ગૌચર ખાલી કરાવે, માલધારીઓને વાડા હક્કની જમીન આપે, વાડા કાયદેસર કરે, માલધારીઓને ખેડૂતોનો દરજ્જો આપવા સહીત વિવિધ 11 માંગણીઓ સાથે માલધારી પંચાયત દ્વારા સરકાર સામે બાયો ચડાવી છે અને આજે તા.21ના રોજ એકપણ માલધારી સરકારી, સહકારી કે ખાનગી ડેરીમાં દૂધ નહીં વહેંચાવની સાથે લોકોને ઘરે-ઘરે દૂધ વિતરણ કરવાથી પણ અળગા રહ્યા છે. મોરબી માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારી અને હળવદ માલધારી આગેવાન ગોપાલભાઈ ભરવાડે આજના આ વિરોધ કાર્યક્રમને જબરો પ્રતિસાદ મળ્યો હોવાનું અને અંદાજે જિલ્લામાં 2 લાખ લીટર દૂધનું વિતરણ ઠપ્પ થયાનું જણાવ્યું હતું. વધુમાં ગુજરાત માલધારી સમાજ ની મહાપંચાયતમાં થયેલ નિર્ણય મુજબ સમાજના ઘર્મગુરુ અને ભુવાઆતા અને સમાજના રાજકીય આગેવાનોએ આખા ગુજરાતમાં દૂધના વ્યવસાય સાથે જોડાયેલ લોકોને દૂધ વિતરણના કરવા જણાવેલ જેમાં મોરબી શહેર - જિલ્લામાં માલધારી સમાજના આગેવાન નવઘણભાઈ રબારી, હરી ભરવાડ, ભરતભાઈ બતાડા, અરજણભાઈ રબારી તેમજ પુંજાભાઈએ ટીમ બનાવી દૂધ વિતરણ માટે આવતા માલધારી સમાજને સમજાવી દૂધ વિતરણ બંધ રાખવાનુ કહેતા ગ્રામ્ય વિસ્તારમાં સરકારી ડેરીમાં દૂધ ભરવા માલધારી કોઈ ગયા ન હોવાનું ગુજરાત માલધારી મહાપંચાયતના આગેવાન રમેશભાઈ રબારીએ ઉમેર્યું હતું. માલધારી સમાજના આજના આ શાંત આંદોલનમાં જિલ્લાના તમામ તાલુકાનો માલધારી સમાજ જોડાયો હતો. ટંકારામાં પણ આજે સવારથી તમામ દૂધ વિક્રેતાઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા સાથે જ ચા ની હોટેલો પણ માલધારી સમાજને ટેકો આપી બંધ રહી હતી. એ જ રીતે દૂધ ઉત્પાદનનું હબ ગણાતા હળવદ અને વાંકાનેર તાલુકામાં પણ આજે માલધારી સમાજ દૂધ વિતરણથી અળગો રહ્યો હતો અને સરકારને શાનમાં સમજી જવા સંકેતો આપ્યા છે. આજના આ વિરોધ બાદ પણ જો માલધારી સમાજની માંગ પ્રત્યે સરકાર ધ્યાન નહીં આપે તો આગામી દિવસોમાં આ લડતને વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવું માલધારી સમાજે અંતમાં જણાવ્યું હતું.