ટ્રાફિક ડાઈવર્ટ થયેલા માર્ગો ઉપર વાહન વ્યવહાર કલાકો સુધી કાચબા ગતિએ ચાલ્યો મોરબી : વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે આજે સાંજે મોરબી આવી રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના રોડ શોમાં શહેર એકદમ રૂડું રૂપાળું લાગે તે માટે છેલ્લા બે દિવસથી ભાજપ, વહીવટી તંત્ર, નગરપાલિકા તંત્ર અને પોલીસ તંત્ર રોડ શોના નિધારીત રૂટ ઉપર જરાય પણ ખામી ન દેખાય તે કોઈ કચાશ રાખવા માંગતું ન હોય એમ રાતોરાત માર્ગો ચકાચક કરી દીધા ઉપરાંત રખડતા ઢોરને પણ ગાયબ કરી દીધા દરમિયાન આજે રોડ શોના રિહર્સલ માટે માર્ગો બંધ કરાતા ઠેરઠેર ટ્રાફિકજામ થયો હતો. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા મોરબીના સમય ગેઇટ ખાતેથી ખાતે આજે બપોરે 4 વાગ્યે રોડ-શોનો પ્રારંભ કરશે, આ રોડ શોમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ જોડાશે. મોરબીના સમય ગેઈટથી પ્રારંભ થનાર આ રોડ શો સ્કાય મોલ, ઉમિયા સર્કલ, હાઉસિંગ બોર્ડ, જીઆઇડીસી, સ્વામિનારાયણ મંદિર, સરદારબાગ ચોક, લાતીપ્લોટ ચોક, રામચોક, જુના બસસ્ટેન્ડ, નહેરૂગેઈટ, યદુનંદન ચોક થઇ ટાઉનહોલ ખાતે સંપન્ન થશે. રોડ શોના નિર્ધારિત ઉપરોક્ત રૂટ ઉપર રોડ ચકાચક અને ઢોર ને હટાવી ગંદકી દૂર કરી દીધા બાદ કોઈ કચાશ રહી ગઈ કે કેમ તે ચકાસવા માટે તંત્ર અને ભાજપ દ્વારા આજે રોડ શો નિધારીત રૂટ સ્કાય મોલ, ઉમિયા સર્કલ, હાઉસિંગ બોર્ડ, જીઆઇડીસી, સ્વામિનારાયણ મંદિર, સરદારબાગ ચોક, લાતીપ્લોટ ચોક, રામચોક, જુના બસસ્ટેન્ડ, નહેરૂગેઈટ, યદુનંદન ચોક થઇ ટાઉનહોલના રોડને બંધ કરી રિહર્સલ કરવામાં આવ્યું હતું. પરિણામે ટ્રાફિક અન્ય માર્ગો ઉપર ડાઈવર્ટ કરી દેવતા અગાઉથી સિંગલ પટ્ટીના રહેલા માર્ગો ઉપર સામસામે વાહનો આવી જતા સ્ટેશન રોડથી છેક શહેરના પ્રવેશવા માટે રામચોકથી બારોબર માર્ગ કાઢતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિક ડાઈવર્ટ થયેલા માર્ગો ઉપર વાહન વ્યવહાર કલાકો સુધી કાચબા ગતિએ ચાલતો જોવા મળ્યો હતો.