રોડ-શોમાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ પણ જોડાયા : મોરબીમાં ચૂંટણીનો માહોલ બંધાયો : ત્રણ કિલોમીટર લાંબા રોડ શોમાં ઠેર-ઠેર રાષ્ટ્રીય અધ્યક્ષનું અલગ-અલગ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત મોરબી : મોરબી જિલ્લામાં ભાજપ પોતાના ગઢનું વર્ચસ્વ જાળવી રાખવા આજે ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો ભવ્ય રોડ શો યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. મોરબીના પ્રવેશદ્વાર એવા સમય ગેઈટથી નગર દરવાજા સુધીના અંદાજે ત્રણેક કિલોમીટર લાંબા રોડ શોમાં ઠેર-ઠેર અલગ અલગ સમાજના અગ્રણીઓ દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનું અદકેરું અને ઉષ્માંભર્યું સ્વાગત કરતા ભાજપ છાવણી પણ ગેલમાં આવી છે. ભાજપનો ગઢ ગણાતા મોરબી જિલ્લામાં પાટીદાર અનામત આંદોલનની અસર તળે ભાજપને પરાજયનો સામનો કરવો પડ્યો હતો જો, કે બાદમાં કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા ભાજપમાં જોડાતા ફરી મોરબી-માળીયા બેઠક ભાજપે અંકે કરી મોરબીને પોતાનો અજેય ગઢ હોવાનું સાબિત કરી બતાવ્યું છે ત્યારે વિધાનસભા ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે આજે ચૂંટણી ગરમાવો લાવવા ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને મેદાને ઉતારી ભવ્યાતિભવ્ય રોડ શો યોજ્યો હતો જે સફળ સાબિત થયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનો આજે મોરબીમાં રોડ શો યોજાયો હતો. અંદાજે ત્રણ કિલોમીટર લાંબા આ રોડ-શોમાં હજારો લોકો જોડાયા હોવાનો ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. રોડ-શો માં ખેડૂતો ટ્રેકટર સાથે તો, યુવાનો બાઈક લઈને જોડાયા હતા, આ ઉપરાંત રોડ -શો માં મોરબી, વાંકાનેર અને થાન પંથકની રસ મંડળી તેમજ ઢોલ ત્રાસ સાથે હાજર રહેલા લોકોએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આજના આ રોડ શોમાં મોરબી જિલ્લાના ધારાસભ્ય, સાંસદ, સહકારી અગ્રણીઓ અને હોદેદાર તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રોડ શોમાં ભાજપના પૂર્વ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના રોડ શો બાદ ચૂંટણીલક્ષી માહોલ બંધાયો છે અને એક સમયે ભાજપના જ કેટલાક નારાજ ગણાતા નેતાઓ પણ આ રોડ શોમાં જોડાઈ શિસ્તબદ્ધ પાર્ટીની પાર્ટી લાઈનમાં આવી ગયા હોવાનું પણ રોડ-શો દરમિયાન જોવા મળ્યું હતું. જ્યારે રોડ શોને સફળ ગણાવી મોરબીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ભાજપ દ્વારા તમામ સમાજ અને અઢારેય વર્ણને સાથે રાખી ચૂંટણી જીતવાનો દાવો કરવામાં આવ્યો હતો.