એલા ભાઈ આજે ગામમાં ક્યાંય ખુંટીયો ન દેખાયો ! શાક માર્કેટ પણ ગાયબ ! મોરબીના સમયગેઈટથી રોડ-શોના રૂટ સુધીમાં ક્યાંય પણ આબરૂ ન જાય તે માટે આડશો પણ ઉભી કરી દેવાઈ મોરબી : મોરબી નગરપાલિકા, પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર ધારે તો શું કરી શકે છે તે બે દિવસમાં સાબિત થઈ ગયું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા આજે મોરબીમાં રોડ-શો કરવાના હોય ભક્તિનગરથી લઈ નગર દરવાજા સુધી રોડ તો ટકાટક બની ગયો, રસ્તામાં આવતી ગંદકી અને ઝુંપડા આડે પડદા ઢંકાઈ ગયા અને સૌથી આશ્ચર્યની વાત તો એ બની કે, સામાન્ય માણસોને ઢીંકે ચડાવતા ખૂંટિયા પણ રાતોરાત મોરીમાંથી ગાયબ થઇ ગયા છે અને નીતિનકાકાને જેમ કોક ખુંટીયો જે.પી.નડ્ડાભાઈને ઢીંકે ન ચડાવે તે માટે તકેદારી રાખવા ચોકે ચોકે અને શેરી ગલીના નાકે નગરપાલિકાના લાકડીધારી ચોકીદારોને બેસાડી દેવામાં આવ્યા છે. સાથોસાથ પોલીસ પણ આજે સવારથી ખડેપગે ઉભો મંગળવાર રહી હોય તેવી સ્થિતિમાં જોવા મળી રહી છે. વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સીરામીક ઉદ્યોગના હબ મોરબીમાં સામાન્ય સંજોગોમાં રસ્તે રખડતા ઢોર, ધૂળની ડમરી ઉડાડતા રસ્તા, ઉભરાતી ગટર, કચરાના ગંજ, માથું ફાડી નાખે તેવી બદબૂ મારતું જૂનું બસસ્ટેન્ડ, ઊંટ સવારી કરાવે તેવા રસ્તા, ટ્રાફિકજામ જોવા ન મળે તો મોરબીને બદલે અન્ય કોઈ શહેર કે ગામડા જતા રહ્યા હોવાની લાગણી થાય..... જો કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે મોરબીમાં રોડ શો કરવા આવી રહ્યા હોય ઉપરની તમામ બાબતોની આજે બાદબાકી થઇ ગઈ છે અને ભક્તિનગરથી નગરદરવાજા સુધી મોરબી જાણે મોરબી જ ન હોય તેવી પ્રતીતિ એક... એક... મોરબીવાસીઓને થઇ રહી છે. નવાઈની વાત તો એ છે કે મોરબીમાં પ્રવેશતા જ સમયના ગેઇટ પાસે વર્ષોથી ગંદકીનો ડુંગરો ખડકાયેલા હોય આ ગંદકી દૂર કરવા પ્રજા રજુઆત કરી કરીને થાકવા છતાં ગંદકી દૂર ન થઈ પણ જે.પી.નડ્ડાભાઈ આવ્યા તો પાલિકાએ ઘા એ ઘા આ ગંદકી દૂર કરી.... સાથે - સાથે ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી રસ્તામાં આવતા તમામ ઝુંપડાઓ આડે આડશ બાંધી દેવામાં આવી છે અને શનાળા રોડ ઉપર લાંબા સમયથી ખુલ્લા વોંકળાની દીવાલ પણ બાંધી લેવામાં આવી છે. ખાસ કરીને મોરબીના તમામ રાજમાર્ગો અને શેરી ગલ્લીઓમાં રસ્તે રઝળતા ખુંટીયાઓનો અનહદ ત્રાસ છે ત્યારે લોકો પાલિકાને કહીકહીને થાક્યા છતાં સાંઢ ન પકડાયા પણ જે.પી.નાડ્ડાભાઈ આવતા જ મોરબી પાલિકા તંત્ર એવું દોડ્યું કે ગલીએ ગલીએ વીણી વીણીને ખુંટીયા પકડી લીધા સાથે સાથે નીતિનકાકા સાથે બન્યો એવો ઢીંકનો બનાવ ન બને તે માટે જે.પી.નડ્ડાભાઈના રોડ-શોના રૂટ ઉપર આજે સવારથી પાલિકાએ કેસરી બંડી વાળા બહાદુર જવાનોને લાકડીઓ પકડાવી દઈ દરેક શેરીના નાકે તેમજ ચોકે-ચોકે ચોકીદારને બેસાડી દીધા છે. અંતમાં એક વાતની ગંભીર નોંધ લેવી પડે તેમ છે. કોરોના કાળમાં મોરબીના શનાળા રોડ ઉપર અચાનક જ શરૂ થયેલ અને ટ્રાફિકમાં નડતરરૂપ બનતી નવી શાકમાર્કેટ હટાવવા અનેક રજૂઆતો થવા છતાં આ શાકમાર્કેટ બંધ નહીં કરાવી શકનાર પાલિકાએ આજે આ શાકમાર્કેટ પણ હટાવી દેતા બે વર્ષથી સવર્મા સુમસામ ભાસતો નગર દરવાજો આજે સોળે કળાએ શાકમાર્કેટ સાથે ખીલી ઉઠ્યો હતો. જો કે, નડ્ડાભાઈના મોરબી આગમનને પગલે આજે મોરબી પોલીસને ઉભો મંગળવાર રહ્યા હોય તેવી સ્થિતિ સવારથી જોવા મળી રહી છે.