મોરબીમાં અમલી જિલ્લા મેજિસ્ટ્રેટના કલમ 144 મુજબના જાહેરનામાં સામે પણ સવાલ ઉઠાવાયો મોરબી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મોરબીમાં રોડ-શો કરવાના હોવાથી ભાજપ અને વહીવટી તંત્રએ મોરબી શહેરની પ્રજાને છેલ્લા બે દિવસથી બાનમાં લઈને પરેશાન કરી રહ્યા હોવાનો સણસણતો આક્ષેપ કરી જિલ્લા મેજિસ્ટ્રેટના કલમ 144 મુજબના જાહેરનામા સામે પણ મોરબીના કોંગ્રેસ અગ્રણી મહેશ રાજ્યગુરૂએ સવાલ ઉઠાવ્યો છે. મોરબીના કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ રાજ્યગુરુએ જાહેર નિવેદનમાં જણાવ્યું છે કે, આજે મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવી રહ્યા છે ત્યારે જાણે મોરબીની પ્રજાને બાનમાં લેવાનુ વહીવટી તંત્રએ નક્કી કરેલ હોય તેમ મોરબી એસબીઆઈ બેંક પાસેથી વાહન વ્યહાર માટે રસ્તો બંધ કરી નવયુગ રોડ પર થઈ જુનાબસ સ્ટેશન સવાસર પ્લોટ થઈ રામ ચોક ડાયવર્ટ કરેલ છે. ત્યાંથી ફરી સરકારી હોસ્પિટલ થઈ રવાપર રોડ ઉપર વાહન ચાલકોને જવા મજબુર કરવામાં આવે છે. તો મોરબીના વહીવટી તંત્ર પોતાનાની જાતે પ્રજાને અગાઉથી જાણ કર્યા વગર રસ્તા બંઘ કરી શકે ? ચૂંટણીનો સમય છે ઘણા રાજકીય આગેવાનોએ પ્રચાર માટે આવશે તો શું પ્રજાને બાનમાં લેવાનો અઘિકાર પોલીસ અને વહીવટી તંત્રને મળી જાય છે. વધુમાં વેધક સવાલ ઉઠાવતા મહેશ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, પ્રજા ને પરેશાન કરવા માટે જ આ રોડ શો શહેરની મઘ્યમાં યોજાયો હોય તેમ લાગે છે. હાલમાં મોરબીમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 144ની કલમ લાગુ કરવામાં આવી છે. બીજી તરફ રોડ શોમાં હજારોની જનમેદની એકત્રિત થવાની છે તો શું 144ની કલમ ઉઠાવી લીઘાનુ જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે ખરું ? મોરબીના મેઈન રોડ બંઘ કરવાની જરૂર શા માટે પડી ? એ રોડ ઉપર વેપાર રોજગાર કરતા લોકો નો પણ વિચાર કર્યા વગર વહીવટી તંત્ર રોડ રસ્તા વાહન માટે બંઘ કરી પ્રજા ને બાન માં લે તે કેટલું યોગ્ય કહેવાય ? તેમ મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુએ અંતમાં જણાવ્યું હતું.