મોરબી જિલ્લામાં અંદાજે 2 લાખ લીટર દૂધ ડેરી કે ખાનગીમાં નહીં વહેંચી, લગવા પણ નહીં ભરવા મક્કમ મોરબી : રાજ્ય સરકારના ઢોર નિયંત્રણ કાયદાને કાળો કાયદો ગણાવી ગુજરાત માલધારી મહા પંચાયત દ્વારા આગામી તા.21ના રોજ સમગ્ર રાજ્યમાં દૂધ વિતરણ નહીં કરવા નિર્ણય કરતા મોરબી જિલ્લામાં અંદાજે 2 લાખ લીટર દૂધનો કારોબાર થંભી જશે. રાજ્ય સરકાર ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચે, ગૌચર ખાલી કરાવે, માલધારીઓને વાડા હક્કની જમીન આપે, વાડા કાયદેસર કરે, માલધારીઓને ખેડૂતોનો દરજ્જો આપવા સહીત વિવિધ 11 માંગણીઓ સાથે માલધારી પંચાયત દ્વારા સરકાર સામે ધોકો પછાડી આગામી તા.21ના રોજ એકપણ માલધારી સરકારી, સહકારી કે ખાનગી ડેરીમાં દૂધ નહીં વહેંચાવની સાથે લોકોને ઘરે-ઘરે દૂધ વિતરણ કરવાથી પણ અળગા રહેનાર હોવાની મોરબી માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારી અને હળવદ માલધારી આગેવાન ગોપાલભાઈ ભરવાડે જણાવ્યું હતું. વધુમાં માલધારી સમાજની આ દૂધની સફેદ લડતમાં 21મી તારીખે માલધારીઓ દૂધ વિતરણથી અળગા રહેતા એકલા મોરબી જિલ્લામાં જ અંદાજે 2 લાખ લીટર દૂધનો વ્યાપાર ઠપ્પ થઇ જાય તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, જો 21મીના આ શાંત આંદોલન બાદ પણ સરકાર દ્વારા માલધારી સમાજની માંગ પ્રત્યે ધ્યાન આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ લડતને વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવું માલધારી સમાજ જણાવી રહ્યો છે.