બપોરે 4 વાગ્યે સમય ગેટથી રોડ શોનો આરંભ, સ્કાયમોલ, હાઉસિંગ બોર્ડ, રામચોક, જુના બસસ્ટેન્ડ થઇ ટાઉન હોલ ખાતે સમાપન મોરબી : વિધાનસભા ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા મોરબીમાં રોડ શો યોજવા જઈ રહ્યા છે ત્યારે આ રોડ શોમાં તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ જોડાનાર હોવાનું મોરબી જિલ્લા ભાજપ દ્વારા જાહેર કરાયું છે. આવતીકાલ તારીખ 20 સપ્ટેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા મોરબીના સમય ગેઇટ ખાતેથી ખાતે બપોરે 4 વાગ્યે રોડ-શોનો પ્રારંભ કરશે, આ રોડ શોમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ જોડાશે. વધુમાં મોરબીના સમય ગેઈટથી પ્રારંભ થનાર આ રોડ શો સ્કાય મોલ, ઉમિયા સર્કલ, હાઉસિંગ બોર્ડ, જીઆઇડીસી, સ્વામિનારાયણ મંદિર, સરદારબાગ ચોક, લાતીપ્લોટ ચોક, રામચોક, જુના બસસ્ટેન્ડ, નહેરૂગેઈટ, યદુનંદન ચોક થઇ ટાઉનહોલ ખાતે સંપન્ન થશે. રોડ-શો રૂટ ઉપર અલગ -અલગ જગ્યાએ મોરબી જિલ્લાના તમામ તાલુકાને સ્વાગત માટેની જવાબદારી સુપરત કરવામાં આવી હોવાનું જિલ્લા ભાજપ કાર્યાલય દ્વારા જણાવ્યું હતું.