પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ દ્વારા પ્રાથમિક શિક્ષણાધિકારી સીએલ મામલે શિક્ષકોના ખુલાસા ગ્રાહ્ય રાખવા રજુઆત મોરબી : જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નોને લઇ માસ સીએલ ઉપર ઉતરી જનાર મોરબી જિલ્લાના તમામ શિક્ષકોને ગાંધીનગરના આદેશ અન્વયે શિક્ષણાધિકારી દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવતા શિક્ષકોમાં રોષ વ્યાપી ગયો છે. જો કે, આ મામલે પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ દ્વારા લોકશાહીમાં પોતાની લાગણી રજૂ કરવાનો સૌને હક્ક હોય શિક્ષકોના ખુલાસા ગ્રાહ્ય રાખવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તાત્કાલિક રજુઆત પણ કરાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા ઘણા સમયથી શિક્ષકો અને કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા તેમજ અન્ય અનેક પડતર પ્રશ્નો માટે લડત ચલાવી રહયા છે ત્યારે રાજ્યના સંગઠનો દ્વારા તા.૧૭.૦૯.૨૨ ના રોજ માસ સી.એલ.નું એલાન આપેલ હતું પણ તા.૧૬.૦૯.૨૨ ના રોજ સરકારશ્રીના મંત્રી સાથેની બેઠકમાં શિક્ષકો અને અન્ય કર્મચારીઓની મુખ્ય માંગણી જૂની પેન્શન પુન:લાગુ કરવા મુદ્દે કોઈ સમાધાન ન થતા શિક્ષકો નારાજગીની લાગણી સરકાર સુધી પહોંચાડવા તમામ જિલ્લાઓની સાથે રહી તા.૧૭.૦૯.૨૨ ના રોજ માસ સી.એલ.નો કાર્યક્રમ ચાલુ રાખેલ હતો. જેને પગલે ગાંધીનગરથી આવેલ સૂચના અન્વયે મોરબી જિલ્લાના અંદાજે 3000 શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારી પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સરકાર સાથે મંત્રણામાં સમાધાનકારી વલણ અપનાવી માસ સીએલ ઉપર નહિ જવા રાજ્ય સંઘની સૂચના બાદ પણ સીએલ ઉપર કેમ ગયા તે અંગે ખુલાસો કરવા કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવતા શિક્ષકોમાં રોષ વ્યાપ્યો છે. બીજી તરફ મોરબી જિલ્લા પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ દ્વારા આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબીને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે, કર્મચારીઓની મુખ્ય માંગણી જૂની પેન્શન પુન:લાગુ કરવા મુદ્દે કોઈ સમાધાન ન થતા શિક્ષકો નારાજગીની લાગણી સરકાર સુધી પહોંચાડવા તમામ જિલ્લાઓની સાથે રહી તા.૧૭.૦૯.૨૨ ના રોજ માસ સી.એલ.નો કાર્યક્રમ ચાલુ રાખેલ હતો અને માસ સી.એલ.પર રહ્યા હતા, નામદાર ન્યાયાલયે પણ ચુકાદો આપેલ છે કે પોતાની અસહમતી, નારાજગી વ્યક્ત કરવાનો અધિકાર છે,એ અન્વયે શિક્ષકો સંગઠનની સાથે રહી હકક માંગવા માસ સી.એલ.પર રહ્યા હતા,તો આ બાબતે શિક્ષકોનો ખુલાસો ગ્રાહ્ય રાખવા માંગ કરી હતી.