માળીયાના ખાખરેચી ગામે આડેઘડ થતાં કામોને લઈ ફરિયાદ કરનાર મહિલા સભ્યની ફરિયાદ ત્રણ મહિનાથી ટલ્લે માળીયા (મી.): ખાખરેચી ગ્રામ પંચાયતમાં થતાં વિકાસના કામોમાં નિયમોને નેવે મૂકીને કાર્ય થઈ હોવાથી તેની સામે અવાજ ઉઠાવનાર ગ્રામ પંચાયતના મહિલા સભ્યને તાલુકા વિકાસ અધિકારી ત્રણ-ત્રણ મહિનાથી ગણકારતા ન હોવાની ફરિયાદ ઉઠી છે. ખાખરેચી ગ્રામ પંચાયતના સભ્ય વીણાબેન વિઠલાપરાએ આજથી ત્રણેક મહિના પહેલા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી કે, ખાખરેચી ગ્રામ પંચાયત દ્વારા સ્નાનઘાટનું કામ કરવામાં આવ્યું હતું, જે કામ ગુણવત્તા વિનાનું થયું છે. કામમાં એસ્ટીમેન્ટ પણ ધ્યાને લેવામાં નથી આવ્યું. કામની રકમનું એસ્ટીમેન્ટ 2 લાખ 50 હજાર જેટલું હતું પરંતુ અડધી રકમમાં કામ પૂર્ણ કરી દેવાયું છે. કામમાં એસ્ટીમેન્ટ અને વર્ક ઓર્ડરને પણ ધ્યાને લીધા વગર કામ કરવામાં આવ્યું છે. આ અંગેની રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને પણ ત્રણ મહિના પહેલાં કરી દેવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. રજૂઆતના ત્રણ મહિના જેટલો સમય વિતી જવા છતાં કોઈ પગલાં ન ભરાતા અરજદારમાં રોષ વ્યાપ્યો છે.