ગણેશનગરમાં અગાઉની ચોરીની ઘટના બાદ રાત્રી પહેરો કરતા ગ્રામજનોએ ત્રણેયને પકડી સારી પેઠે ધોલાઈ કરી પોલીસના હવાલે કરી દીધા મોરબી : મોરબી નજીક ટિબંડી ગામે આવેલ ગણેશનગરમાં 15 દિવસ પહેલા ચોરી ઘટના બાદ ગ્રામજનોએ રાત્રી પહેરો શરૂ કર્યાની વચ્ચે ગતરાત્રે બીજી વખત પણ ત્રણ શખ્સો ચોરી કરવા ઘૂસતા લોકોએ ઝડપી લીધા હતા. આમ ગ્રામજનોની સતર્કતાથી ગામમાં ચોરીનો બનાવ અટક્યો હતો. ગ્રામજનોએ ત્રણેયને પકડી સારી પેઠે ધોલાઈ કરી પોલીસના હવાલે કરી દીધા હતા. મોરબી નજીક ટિબંડી ગામે આવેલ ગણેશનગરમાં 15 દિવસ અગાઉ ચોરીની ઘટના બની હતી. ત્યાં જ બીજી વખત ચોરીનો પ્રયાસ થયો હતો. જો કે ચોરી કરવા આવેલા તસ્કરોને ખબર ન હતી કે હવે ગ્રામજનો સતર્ક બની ગયા છે. બન્યું એવું કે અગાઉની ચોરીની ઘટનાથી ગ્રામજનો જાગૃત થઈ ગયા હતા અને ગ્રામજનોએ દરરોજ રાત્રે રાત્રી પહેરો શરૂ કર્યો હતો. આ બાબતથી અજાણ ત્રણ શખ્સો ગતરાત્રે જેવા ચોરી કરવા આવ્યા કે તરતજ રાત્રી પહેરો કરતા ગ્રામજનોના હાથે ઝલાઈ ગયા હતા. ગ્રામજનોએ આ ત્રણેયને મેથીપાક આપી પોલીસને સોંપી દીધા હતા અને પોલીસે અગાઉની ચોરીમાં આ ત્રણેય સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.