પેટ્રોલીગમાં રહેલી પોલીસની સતર્કતાથી એટીએમમાંથી એકપણ રૂપિયાની ચોરી ન થઈ, આરોપી હાથવેંતમાં, મોરબી : મોરબીમાં તસ્કરોને પોલીસ કે કાયદાનો ડર જ ન હોય એમ બેખોફ બની હથોડી લઈને રવાપર રોડનું એટીએમ તોડવાનું દુસાહસ કરતા બરાબર તે જ સમયે તે વિસ્તારમાં પેટ્રોલીગમાં રહેલી પોલીસે તુરંત જ પહોંચીને કાર્યવાહી કરતા એટીએમમાંરહેલા અંદાજે પંદર લાખ બચી ગયા હતા અને એકપણ રૂપિયાની ચોરી થઈ ન હતી. જો કે પોલીસની આ કાર્યવાહી દરમિયાન આરોપી હાથવેંતમાં હોવાનું મનાય છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પેટ્રોલપંપની સામેના એક્સીસ બેન્કના એટીએમને ગતરાત્રે 3 થી 4 વાગ્યા દરમિયાન તસ્કરોએ નિશાન બનાવીને હથોડી તોડવાનો પ્રયાસ કર્યો હતો. તસ્કર હથોડી લઈને મધરાત્રે એટીએમ તોડી રહ્યો હતો. તે દરમિયાન જોગુનાજોગ પોલીસની ગાડી તે વિસ્તારમાં નીકળતા કશુંક તોડવાનો અવાજ આવતા પોલીસ તુરંત જ સતર્ક બનીને તે દિશામાં એટલે ઘટનાસ્થળે દોડી જઈને તુરંત કાર્યવાહી કરી હતી. જો કે એટીએમ તૂટ્યું હતું. પણ પોલીસ સમયસર પહોંચી જતા એટીએમમાં તમામ રૂપિયા સલામત રહ્યા હતા. જો કે આ ઘટનાથી લોકોની કિંમતી માલમતા ચોરાઈ જવાની સાથે હવે એટીએમ પણ સલામત રહ્યા ન હોય એમ એટીએમમાં કડક સુરક્ષા ગોઠવવી જરૂરી બની છે. સૌથી મોટી બેદરકારી એ છે કે ઘણા બધા એટીએમ સિક્યુરિટી વગરના હોય છે. આ પણ એટીએમ ધણી ધોરી વગરનું હતું. પણ સદનસીબે પોલીસની સતર્કતાથી એટીએમ સુરક્ષિત રહ્યું છે. હાલ આ ઘટનામાં પોલીસે આરોપીને સંકજામાં લીધો હોય અને એટીએમમાં અંદાજે 15 લાખ જેવી રકમ પડી હોવાનું તેમજ મેનેજરની વિધિવત ફરિયાદ બાદ ધરપકડ કરાશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.