મોરબીઃ આજ રોજ મોરબી પ્રાંત કચેરી ખાતે આઉટસોર્સિંગના કર્મચારીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને આઉટસોર્સિંગના કર્મીઓને કાયમી કર્મચારીઓને મળતાં લાભો આપવા અને યોગ્ય પગાર નીતિ બાબતે રજૂઆત કરી હતી. આઉટસોર્સિંગના કર્મચારીઓની માંગ છે કે, ગુજરાતમાં કરાર આધારિત, આઉટસોર્સ કર્મચારીઓ માટે કોઈ યોગ્ય પગાર અંગેની નીતિ નથી. જેથી તેમની સાથે ખૂબ જ અન્યાય થાય છે. ગુજરાત સરકારની અંદર કામગીરી કરતા તમામ કરાર આધારિત આઉટસોર્સ કર્મચારીઓને કાયમી કરવામાં આવે અથવા સમાન વેતન અંતર્ગત તેમની સમાન કેડરના કાયમી કર્મચારીઓની જેમ પગારના તમામ પ્રકારના લાભો આપવામાં આવે. કાયમી કર્મચારીઓને મળતી રજાઓના લાભો, મેડિકલ કવરના લાભો, એલટીસી અને જીવન વીમાના લાભો આપવામાં આવે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓને મળતા GPF અને CPFનાં લાભો આપવામાં આવે. તમામ આવા કર્મચારીઓની સેવાપોથી નિભાવમાં અને તમામ લાભોની તેમાં નોંધ લેવામાં આવે. રાજ્યની તમામ લાંબાગાળાની જગ્યાઓ અને યોજનામાં આઉટસોર્સ ના થાય અને તેવા તમામ કર્મચારીઓને સરકારના પ્રવાહમાં સમાવી લેવામાં આવે. ગુજરાત રાજયના તમામ કચેરીઓમાં આઉટસોર્સથી ફરજ બજાવતાં કર્મચારીઓને સરકાર દ્વારા આઉટસોર્સ એજન્સીઓને અંદાજિત રૂ.૧૫૦૦૦/- હજાર સુધીની ચકવણી થાય છે. પરંતુ એજન્સીઓ મારફતે આઉટસોર્સ કર્મચારીઓને માત્ર ૪૦૦૦/- થી રૂ.૮૦૦૦/-સુધીનું વેતન ચુકવવામાં આવે છે. તથા પીએફ પણ ઘણી એજન્સી દ્વારા જમાં કરવામાં આવતું નથી. તેમ છતાં અમો પોતાની ફરજ બજાવી રહ્યા છીએ. જે લધુતમ વેતન કરતાં ઘણો ઓછો છે. તમામ આઉટસોર્સિગ કર્મચારી તેની સમકક્ષના કાયમી કર્મચારી જેટલું જ અથવા અમુક કિસ્સામાં તેનાથી પણ વધારે કામ કરે છે. તેમજ સરકારનું બીજું અન્ય કામ કે ચૂંટણીની કામગીરી, સેવાસેતુ, કોરોનાની કામગીરી તથા પુર રાહત વગેરે તથા સરકારની અન્ય બીજી કામગીરી સોપવામાં આવે છે. તે પણ કરીએ છીએ છે. તેમ છતાંય છેલ્લા કેટલાય વર્ષોથી પગારમાં એક પણ રૂપિયાનો વધારો થયો નથી. તેમજ મહિનાના દિવસોમાં રજા કાપી પગાર ચૂકવે છે. જેથી એજન્સી દ્વારા પગાર ૪૦૦૦/- થી ૮૦૦૦/-રૂપિયા સુધી ચૂકવવામાં આવે છે. અવાર નવાર જીવન જરૂરિયાત ચીજ વસ્તુમાં ભાવ વધારાના લીધે તથા હાલના સંજોગોમાં મોંઘવારીના લીધે અમારું ગુજરાન ચલાવવું ખુબજ મુશ્કેલ બનેલ છે. વધુમાં પ્રાંત અધિકારીને કરેલી લેખિત રજુઆતમાં જણાવાયું હતું કે, ભારત સરકાર અને રાજય સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય તરફથી પણ લઘુતમ વેતન મુજબ પગાર ચૂકવવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે. ત્યારે આ કંપનીઓ એજન્સીઓ કર્મચારીઓને પણ લધુતમ વેતન મુજબ પગાર શા માટે ચૂકવવામાં આવતો નથી ? આ સવાલ સ્વાભાવિક છે. આમ આઉટસોર્સિગના કર્મચારીઓને સરકાર દ્વારા એજન્સીઓ મારફત ચૂકવવામાં આવતું વેતન જો ડાયરેકટ આઉટસોર્સિંગના કર્મચારીઓના ખાતામાં DBT મારફતે સરકારના ધારા ધોરણ મુજબ ચૂકવણું થાય તેવું અમારી નમ્ર વિનંતી છે. આમ ઉપરોક્ત તમામ રજૂઆતને લઈને યોગ્ય નિર્ણય કરી કર્મચારીઓને થતો અન્યાય દૂર કરવા રજુઆત કરવામાં આવી છે.