રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના આહવાનના પગલે તમામ વિભાગના કર્મચારીઓ તબક્કાવાર આંદોલન કરીને લડી લેવાના મૂડમાં મોરબી :જૂની પેન્શન યોજના લાગું કરવાની માંગ સાથે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના આહવાનના પગલે તમામ વિભાગના સરકારી વિભાગના કર્મચારીઓનું તબક્કાવાર આંદોલન શરૂ છે. જેમાં અગાઉ રેલી અને આવેદન આપ્યા બાદ નક્કી થયેલી રણનીતિ મુજબ મોરબી જિલ્લાના 3263 શિક્ષકો અને 1000 જેટલા અન્ય ખાતાના કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગું કરવાની માંગ સાથે આવતી કાલે માસ સી.એલ.પર ઉતરી જશે. અને મોરબી જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષકો તેમજ અન્ય ખાતાના કર્મચારીઓ માસ સીએલમાં જોડાઈને જૂની પેન્શન યોજના લાગું કરવાની માંગ બુલંદ બનાવશે. તમામ વિભાગના સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવાના તા. 3 સપ્ટેમ્બરના સફળ આયોજન બાદ ગત.તા.7સપ્ટેમ્બરની સરકારે બનાવેલી પાંચ મંત્રીઓની કમિટી સાથે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાની બેઠકનું કોઈ પરિણામ ન મળતા જૂની પેન્શન યોજના તથા કર્મચારીઓના અન્ય પડતર પ્રશ્નો અન્વયે ગત તા.11 સપ્ટેમ્બરને રવિવારે સંભાગ કક્ષાએ હજારો કર્મચારીઓ મહારેલીમાં જોડાયા હતા અને કર્મચારી એકતાના બુલંદ અવાજને સરકાર સુધી પહોંચાડેલ હતો. આમ છતાં સરકાર તરફથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા ન આવતા અગાઉ નક્કી કરેલી રણનીતિ મુજબ આંદોલન ચાલુ રાખ્યું છે. આવતીકાલે તા.17ના રોજ જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવા તેમજ સાતમા પગાર પંચ મુજબ ભથ્થાઓ વધારવા, HTAT મુખ્ય શિક્ષકોના અનેક પ્રશ્નો સોલ કરવાની માંગ સાથે* મોરબી જિલ્લાના શિક્ષકો તેમજ અન્ય તમામ ખાતાઓના કર્મચારીઓ માસ CL પર જશે. જેમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા વિદ્યા સહાયકો અને અન્ય કર્મચારીઓને માસ સી.એલ. માંથી સંગઠન તરફથી મુક્તિ આપવામાં આવેલ છે. એ સિવાયના સમગ્ર ગુજરાતના હજારો કર્મચારીઓ સાથે મોરબી જિલ્લાના કર્મચારીઓ અભી નહિ તો કભી નહિ અને એક હી માંગ એક હી નારા પુરાની પેન્શન દે સરકારની માંગ સાથે માસ સી.એલ.પર 3262 જેટલા શિક્ષકો અને હજાર જેટલા અન્ય ખાતાના કર્મચારીઓ માસ સી.એલ.માં જોડાઈને કર્મચારી એકતા બતાવી સરકાર સમક્ષ પોતાની માંગણી મજબૂત રીતે કરશે.