મોરબી : રાજયની સરકારી ઈજનેરી કોલેજ અને પોલિટેકનિકના આશરે ૪૦૦૦થી વધુ અધ્યાપકો દ્રારા શરૂ થયેલા આંદોલન બીજા તબક્કાની શરૂઆત માટે લખધીરજી એન્જિનિયરિંગ ડિગ્રી કોલેજના અધ્યાપકોએ કાળી પટ્ટી બાંધીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો . રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકોના ઘણા પ્રશ્નો ખુબજ લાંબા સમયથી પડતર છે. આ પ્રશ્નો બાબતે સરકારને વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં તેમજ મંડળના હોદ્દેદારોની અગ્ર સચિવ, શિક્ષણ વિભાગ અને ટેકનીકલ શિક્ષણ નિયામકની કચેરીના અધિકારીઓની હાજરીમાં શિક્ષણમંત્રી અને નાણામંત્રી સાથે યોજાયેલ રૂબરૂ મુલાકાતો દરમ્યાન ડિગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પ્રશ્નોનોનું યોગ્ય નિરાકરણ લાવવા જરૂરી સહમતી દર્શાવ્યા બાદ પણ આજદિન સુધી યોગ્ય નિરાકરણ આવેલ નથી. અધ્યાપકોના મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકારશ્રી દ્વારા બાહેધરી અપાયા ઉપરાંત સમય મર્યાદા નક્કી કરવા છતાં પણ સતત અણગણવામાં આવેલ છે. સરકાર સમક્ષ સમયાંતરે રજુ કરાયેલ મુખ્ય પડતર પ્રશ્નોમાં જણાવાયું છે કે ૦૧/૦૧/૨૦૧૬ પછી CAS (કેરિયર એડવાંન્સમેન્ટ સ્કીમ) હેઠળના લાભો આપવાના બાકી છે. આધ્યાયકોને નિયમાનુસાર સહાયક પ્રાદ્યાપક (વર્ગ-૨) થી સહ પ્રદ્યાપક (વર્ગ-૧) ની બઢતી આપવી. સ્વવિનંતીથી બદલી કરવા અંગે, અધ્યાપકોએ સરકારમાં બજાવેલ એડહોક સેવાને સળંગ ગણી લગતા લાભો આપવા જોઈએ. બીજા તબક્કામાં તા. ૧૬ના રોજસરકારી ઈજનેરી કોલેજ અને પોલિટેક્નિકના અધ્યાપકોએ એકત્રિત થઇ બેનર/પોસ્ટર સાથે અન્ય દેખાવો જેવાકે રામધૂન, રેલી , સૂત્રોચાર અને સોશિયલ મિડિયા મેસેજ #Padtarprashno થી વિવિધ પડતર પ્રશ્નો જેવા કે કેરિયર એડવાંન્સમેન્ટ સ્કીમ , લાંબાગાળાથી બઢતી અને બદલીની અવગણના, જુની પેન્શન યોજના અને સાતમા પગારપંચના TA અને DA ની માંગણી માટે મુખ્યમંત્રી, નાણામંત્રી તેમજ શિક્ષણ મંત્રીને ટ્વીટ કરીને પણ પોતાની માંગણી પહોંચાડવા ઉત્સાહપૂર્વક સઘન પ્રયાસ કર્યો હતો.